<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

શ્રાવણી માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભકિતમય ઉજવણી

સોમનાથ મંદિરમાં લઘુરૂદ્ર યજ્ઞ અને જ્‍યોતપૂજન કરવામાં આવ્‍યાઃ મધ્‍યરાત્રિએ મહાઆરતીના દર્શને હજારો શ્રધ્‍ધાળુઓ ઉમટયા

વેરાવળ તા. ૨ : પ્રથમ જયોર્તિલિંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્‍ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે ત્‍યારે આજરોજ પવિત્ર શ્રાવણમાસની માસિક શિવરાત્રિ પ્રણાલિકા અનુસાર અષાઢ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્‍ટ પરિવાર દ્વારા શાષાોકત પ્રણાલિકા અનુસાર લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા સ્‍થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક ૧૨૧ રૂદ્રી પાઠ કરાવીને પાઠાત્‍મક લઘુરૂદ્ર કરાવવામાં આવે છે. ત્‍યારે આજે શ્રાવણ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં પાઠાત્‍મક લઘુરૂદ્ર, હોમાત્‍મક લઘુરૂદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્‍યાણની કામના કરવામાં આવી હતી.

સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જયોત પૂજન કરવામાં આવ્‍યું હતું. જયોત પૂજનમાં સોમનાથ ટ્રસ્‍ટના ટ્ર્‌સ્‍ટી શ્રી પ્રવિણભાઇ લહેરી, ગીર સોમનાથ જીલ્લા ન્‍યાયાધિશ પી.એસ. ગઢવી, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે શ્રી સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવેલ.

અષાઢ માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્‍ય રાત્રિએ ૧૨ વાગ્‍યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્‍યામાં શિવભક્‍તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્‍યા હતા. ‘હરહર મહાદેવ, જય સોમનાથ'ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્‍યું હતું.

 

(4:17 PM IST)