તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
ઉપલેટા તાલુકાના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, મગફળી સહિતના પાકો નિષ્ફળ
મોટી પાનેલી, ઢાંક, ઝાર, ગણોદ, માખીયાળા વગેરે ગામોમાં લીલા દુકાળની ભીતીઃ તંત્ર સર્વે કરી તુરંત સહાય ચૂકવેઃ ખેડૂતોની માંગ

રાજકોટ તા. ર :.. મેઘરાજાએ ગત અઠવાડીયે સટાસટી બોલાવી મબલખ પાણી ઠાલવી દીધુ છે ત્યારે રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ગામોમાં ઉભો પાક ધોવાઇ જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.
રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી, ઢાંક, મેરાવદર, ગણોદ, માખીયાળા, ઝાર, હરીયાસર, સાતવડી સહિતના ગામોના હજારો વિઘામાં કપાસ, મગફળી, એરંડા, તુવેરવાળ, સોયાબીન સહિતનો ઉભો પાક બળી ગયો છે. ખેતરો બેટમાં ફેરવાયા છે.
ખેડૂતો મુજબ ભારે વરસાદથી પાણી ભરાયા હતા જે હાલ પણ યથાવત છે. રાજકોટ જીલ્લામાં સીઝનનો ૧ર૮ ટકા જેટલો વરસાદ પડતા જણસને ભારે નુકશાન થવા પામ્યું છે. લીલા દુકાળ જેવી પરિસ્થિતિ ઉભી થવાની ભીતિ પણ સેવાઇ રહી છે.
રાજકોટ જીલ્લાના મોટી પાનેલી ગામમાં ખેતરો-નદી બની ગયા છે. ખેડૂતોએ સરકાર પાસે તુરંત સર્વે કરી સહાયની માંગ કરી છે. મોટા ભાગનો પાક નિષ્ફળ જતા મોટી નુકશાની આવી છે.
જયારે ચરેલીયા ગામના ખેતરોમાં અડધો ફુટ પાણી ભરાવાથી કપાસનો પાક ડૂબી ગયો છે. ખેડૂતોએ જણાવેલ કે, વાવણી માટે અમે પૈસાની જેમ તેમ કરીને વ્યવસ્થા કરી હોય છે ત્યારે પાક નિષ્ફળ જતા અમારી સ્થિતિ કફોડી બની જાય છે.
ખેડૂતોએ તંત્ર ધ્યાન ન દેતુ હોવાનો આક્ષેપ કરી ખેતરોમાંથી પાણી નિકાલ કરાવવા માંગ કરવાની સાથે બે મહિના બાદ સર્વે કરાય તો તે કશો અમને ઉપયોગી નહીં થાયનું જણાવી તુરંત ચકાસણીની માંગ પણ ઉઠાવી હતી.
જેવી રીતે ચૂંટણી દરમિયાન ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવે છે તેવી રીતે અત્યારની પરિસ્થિતિમાં પણ ખેડૂતોનો સર્વે કરી તાત્કાલીક સહાય ચૂકવવા પણ તાલુકાના ખેડૂતોએ માંગ કરી હતી.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
