<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

તમારા પિતાશ્રીના ખાતામાં રકમ ભરવાની છે તેના નંબર મળતા નથી, તમારા એકાઉન્‍ટ નંબર આપો

સોળ વરસ પછી બાળક સાથે મિત્રતા કેળવો આવો ફોન આવે તો નંબર આપતા નહિ હો! નહિતર લૂંટાય જશો

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૩ :.. સ્‍થાનિક ડીવાયએસપી શ્રી બિપિનભાઇ ઠકકરના માનમાં યોજાયેલા એક સન્‍માન સમારંભમાં પ્રત્‍યુતર આપતા તેમણે કહ્યું હતું કે અત્‍યારે સાઇબર ક્રાઇમના ગુન્‍હા સતત વધી રહ્યા છે. આ સ્‍થિતિ વચ્‍ચે કયારેય કોઇનો અજાણ્‍યો ફોન આવે અને કહે કે ‘તમારા પિતાશ્રીના અથવા પરિવારના કોઇ સભ્‍યના બેંક ખાતામાં રકમ જમા કરાવવાની છે. પરંતુ તેના નંબર મળતા નથી તમારા નંબર આપો તો તેમાં જમા કરાવી દઉ તો તમારા નંબર આવી કોઇ અજાણી વ્‍યકિતને આપશો નહિ. નહિતર તમો લૂંટાયા જશો.'

સ્‍થાનિક ડીવાયએસપી બિપીનભાઇ ઠકકરને ગઇ ૧પ ઓગષ્‍ટના રોજ શ્રેષ્‍ઠ કામગીરી માટે રાષ્‍ટ્રપતિ ચંદ્ર એનાયત કરવામાં આવ્‍યો હતો. આથી તેની પીઠ થાબડવા માટે સ્‍થાનીક લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્‍થાઓના સંયુકત ઉપક્રમે સન્‍માન સમારંભ યોજાયો હતો.

આ સન્‍માનના પ્રત્‍યુતરમાં ઉપરોકત વાત કહેતા તેમણે વિશેષમાં ઉમેર્યુ હતું કે આવો ધંધો કરતી ટોળકીમાં એક કરતા વધારે માણસો હોય છે અને આવી પધ્‍ધતિથી જે તે બેંક ખાતામાંથી ઉપાડેલી રકમ તાત્‍કાલીક અલગ-અલગ ખાતામાં ટ્રાન્‍સફર કરી દેવામાં આવે છે જેથી ફરીયાદીના હાથમાં સરવાળે કોઇ આવતુ નથી.

સાઇબર ક્રાઇમના આ ગુન્‍હાઓને નાથવા માટે સરકાર તરફથી ખાસ હેલ્‍પલાઇન શરૂ કરવામાં આવી છે આ હેલ્‍પલાઇનના નંબર છે  ૧૯૩૦ આ નંબર ઉપર તમારા મોબાઇલમાંથી તમારી ફરિયાદ નોંધાવો એટલે તાત્‍કાલિક સ્‍થગિત થઇ જાય છે. અને હા આ ૧૯૩૦ નંબર સંપૂર્ણ કોમ્‍પ્‍યુટર સિસ્‍ટમથી ચાલે છે. તમારી ફરિયાદ  લેવાનો અથવા તો ફરિયાદ લીધા બાદ ઝડપથી કામગીરી નહિ કરવાનો કોઇ સવાલ જ ઊભો થતો નથી.

નાના બાળકો અસામાજીક તત્‍વોનો શિકાર બને છે તે અંગે બોલતા શ્રી બિપિનભાઇ ઠકકરે કહ્યું હતું કે આવા બાળકોને પોતા ના ઘરમાંથી જ વડીલોનો પ્રેમ મળત નથી મા-બાપ કામ ઉપર આખો દિવસ જાય છે અને બાળક આખો દિવસ ઘરમાં એકલું રહે છે. પરિણામે કોઇપણ અજાણી વ્‍યકિત સહેલાઇથી આવા બાળકોને સાંભળી શકે છે. આ સ્‍થિતિના નિવારણ માટે બાળક સાથે નાનપણથી શરમ રાખ્‍યા સિવાય દરેક બાબત ઉપર ખુલ્લામને ચર્ચા થવી જોઇએ અને એમ પણ સોળ વરસની ઉમર પછી બાળક સાથે પિતા પુત્ર કે માતા-પુત્ર અથવા તો પુત્રી જેવો વ્‍યવહાર નહી રાખતા એક મિત્રની જેમ દરેક મુદા ઉપર ખુલ્લા મન થી ચર્ચા કરવી જોઇએ અને બાળક ને પોતાની ઇચ્‍છા અનિચ્‍છા વ્‍યકત કરવાની સંપુણ સ્‍વતંત્રતા આપવી જોઇએ તેના બદલે આજે આપણા સમાજમાં બાળકો સાથે ખુલ્લા મને ચર્ચા કરવામાં મા-બાપ ક્ષોભ અનુભવે છે જેના ગંભીર પરિણામો આવે છે. અને તે આપણે અવાર-નવાર સાંભળીએ છીએ.

(12:17 PM IST)