News of Tuesday, 3rd September 2024
સંવેદનાભર્યા એક ફોને પાંચ જિંદગી બચાવી: ચાર દિકરીઓ સાથે તળાવમાં કૂદવા જતી માતાની શું મજબૂરી હતી?
હ્રદય હચમચાવી દે એવી વાસ્તવિક દર્દનાક દાસ્તાનમાં સખી વન સ્ટોપ બની સધિયારો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :હિલોળા લેતા ભુજના હમીરસર તળાવનું કુદરતી દ્રશ્ય નગરજનો માટે હર્ષનો પ્રસંગ છે. એવા સમયે હમીરસર કાંઠે ઊભેલા એક સજ્જન ગૃહસ્થે ચાર દિકરીઓ સાથે હમીરસર તળાવને કાંઠે એક માતાને જોઈ. દુઃખિયારો લાગતો આ પરિવાર કંઈ અઘટિત પગલું ભરવાનો છે એવો એમને અહેસાસ થયો. એમણે મહિલાને રોકી તેની વાત જાણવા પ્રયાસ કર્યો અને ચોંકી ઉઠ્યા. ચાર દિકરીઓ સાથે માતા હમીરસર તળાવમાં મોતની છલાંગ લગાવવાના ઈરાદો કરી આવી હતી. પણ, એ સજ્જન વ્યક્તિએ તેમને રોક્યા એટલું જ નહીં પરિસ્થિતિની ગંભીરતા સમજી અને સમયસૂચકતા દાખવી ૧૮૧ ઉપર સખી વન સ્ટોપની મહિલા અભયમ ટીમને ફોન કર્યો. બસ.. આ એક ફોન સાથે જ સખી વન સ્ટોપની ટીમ આવી ગઈ. કાઉન્સેલર રાધિકાબેન જોશી, હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ અને ધનજીભાઈ પરમારે સાંત્વના અને હૂંફ આપી. રડતી આંખે દાસ્તાન સંભળાવતી એ બહેને આપવીતી કહી. ૧૨ વર્ષનું લગ્નજીવન ૪ દીકરી, ૧ દીકરો એમ ૫ સંતાનોના પરિવાર સાથે રહેતા પતિ, પત્નીના સંસારમાં દારૂનું વ્યસન દૈત્ય બન્યું. પતિની કમાણી ઉપરાંત પત્ની ત્રણ માસની દીકરીને લઇ મજૂરી કામ કરવા જાય એ રૂપિયા પણ પતિ દારૂના વ્યસન પાછળ બરબાદ કરી નાખે. ઘરમાં ખાવાના ફાંફા ઉપર પતિ કંકાસ કરી માર મારે, ચાર દિકરીઓ માટે મેણાંટોણાં આપે. એટલે કંટાળીને મહિલા પતિ તેમ જ પુત્રને ઘેર સૂતા મૂકી ચાર દીકરીઓ સાથે હમીરસર તળાવે આવી. પરિવારની દાસ્તાન સાંભળી અભયમ ટીમએ સાંત્વના આપી સમજાવ્યું એમાં દીકરીઓનો શું વાંક? આ રીતે પાંચ જિંદગીઓ સાથે મોતનો કુદકો થોડો મરાય!!. સંવેદના સાથેના સધિયારાએ કામ કર્યું માતાની મમતા જાગૃત થઈ એ મહિલાને પોતાની ભૂલ સમજાઈ. હાલ ચારેય દીકરીઓ અને માતાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપી એમનું કાઉન્સેલિંગ ચાલુ રખાયું છે. આમ, એક સંવેદનાભર્યા ફોન અને સરકાર દ્વારા શરૂ કરાયેલ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓની સહ્રદયી કામગીરીએ પાંચ માનવ જિંદગી બચાવી. એક દુઃખિયારા પરિવારને સધિયારો આપવામા સહભાગી બનેલા સૌ ના માનવતાભર્યા કાર્યને વંદન
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
