<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

કચ્‍છમાં વરસાદથી અસરગ્રસ્‍ત લોકોની સરકારે પરવા નથી કરી : શકિતસિંહ ગોહિલ

પૂરગ્રસ્‍ત માંડવી, મુન્‍દ્રા, અબડાસાની મુલાકાતમાં લોક ફરિયાદોના ઢગલા બાદ આજે ભુજમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની પત્રકાર પરિષદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ ગઈકાલ બે દિવસથી કચ્‍છના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાતે છે. મુન્‍દ્રા અને માંડવી વિસ્‍તારનો પ્રવાસ કર્યા બાદ તેઓ આજે અબડાસા વિસ્‍તારના પ્રવાસે છે. કચ્‍છના પૂરગ્રસ્‍ત બનેલ માંડવી, મુન્‍દ્રા પંથકમાં લોક ફરીયાદનો ઢગલો થયો હતો. લોકોની વચ્‍ચે પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ સમક્ષ વ્‍યાપારીઓ, રહેવાસીઓ, ખેડૂતોએ સરકાર સામે વ્‍યથા ઠાલવી હતી.મોટા નુકસાન બાદ હજી સર્વે, મદદના કોઇ ઠેકાણા નથી તેમ જણાવ્‍યું હતું શક્‍તિસિંહ ગોહિલ આજે અબડાસાની મુલાકાત લેશે.

 ભારે વરસાદ સાથે તોફાની પવન સાથે વાવાઝોડા એ સર્જેલી પરિસ્‍થિતિ બાદ સરકારની કામગીરી અંગે શક્‍તિસિંહ ગોહિલે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસની અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે રહેવાસીઓ, વ્‍યાપારીઓ તેમ જ ખેડૂત વર્ગ દ્વારા વ્‍યાપક ફરિયાદો કરાઈ છે. લોકોમાં હતાશાનો માહોલ છે. હજી પાણી ભરાયેલા છે. રસ્‍તાઓ, લાઇટ બંધ છે.

ખેતરોમાં ઊભા પાક ધોવાઈ ગયા છે. સરકાર દ્વારા કોઇ રાહત કે પુનર્વસન પેકેજ જાહેર કરાયું નથી. શક્‍તિસિંહ ગોહિલે આ લોક ફરીયાદો સરકાર સુધી પહોંચાડવાની હૈયાં ધારણા આપી છે.

આજે બપોર બાદ ભુજમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હોવાનું પ્રવક્‍તાઓ ગની કુંભાર અને અંજલિ ગોરની યાદીમાં જણાવાયું છે.

(12:17 PM IST)