<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ગણેશોત્‍સવમાં પ્રથમ વખતનો પુરસ્‍કાર ગણેશ પાટકરને ‘લોકમાન્‍ય' અખબારે આપેલ...

ગૌરી પુત્ર ગણેશની સવારી આવી પહોંચી છે. મહીનાઓથી સ્‍વાગતની તડામાર તૈયારીઓ ચાલતી હતી. હવે દશ દિવસ સુધી ગણપતિ બાપ્‍પા... મોરયા, મંગલમૂર્તિ મોરયાના ઉત્‍સાહભેર પોકારો ગલીએ ગલીએ સંભળાતા રહેશે.

વિઘ્‍નહર્તા ગણેશની પૂજા ઘરે ઘરે તો વર્ષોથી ચાલતી આવી છે અને ગણપતિને યાદ કર્યા વિના આપણે કોઇપણ કાર્યોની શરૂઆત પણ નથી કરતાં.

પરંતુ સાર્વજનિક ગણેશોત્‍સવની શરૂઆત ૧૮૯૪માં એટલે કે આજથી ૧૩૦ વર્ષ પહેલા પુના ખાતે વિચુરકળ વાદામાં લોકમાન્‍ય ટિળકે કરાવેલ. તેઓ જાણતા હતાં કે દેશની પ્રજાને એકતાંતણે બાંધવા માટે ધર્મથી બીજુ કોઇ ઉત્તમ સાધન નથી. લોકો કદાચ લગ્ન પ્રસંગે નહીં જાય પરંતુ ધાર્મિક ઉત્‍સવની જાહેર ઉજવણીમાં તો સૌ વગર આમંત્રણે, હોંશે હોંશે સામેલ થશે અને તેથી જ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરવા માટે લોકોને ભેગા કરવા ધર્મના સહારો લીધા.

આ માટે લોકમાન્‍ય ટિળકનો એવાં દેવ જોઈતા હતા કે સૌના પરિચિત અને પ્રિય હોય, તમામ વિવાદોથી પર હોય એ દેવના જાહેર પૂજન માટે ગણેશજી પર પસંદગી ઉતારી. આમ રાજકીય ઉદ્દેશથી શરૂ થયેલ આ ઉત્‍સવ આજે લોકો ધાર્મિક દૃષ્ટિએ ઉજવતાં થઇ ગયેલ છે.

મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈ-પુનામાં ગણેશ ચર્તુથીનો તહેવાર ખરા અર્થમાં લોકોનો જ તહેવાર છે. એ અગીયાર દિવસ મુંબઇની રોનક કંઇ ઔર હોય છે. ગલીએ ગલીએ ગણેશ મંડળો જોવા મળે છે. લોકોને આકર્ષવા માટેની તંદુરસ્‍ત સ્‍પર્ધા આયોજકો વચ્‍ચે શરૂઆતથી ચાલતી આવી છે.

ગણેશોત્‍સવમાં સ્‍પર્ધાનું તત્‍વ ઉમેરવાનો યશ-અપયશ મુંબઇના હવે બંધ પડી ગયેલા દૈનિક ‘‘લોકમાન્‍ય''ને આપવો ઘટે. ૧૯૫૫ માં એમણે સાર્વજનિક ગણેશોત્‍સવ માટે સૌથી સુંદર મૂર્તિ ઘડનાર કલાકાર માટે ઇનામ જાહેર કરેલું. તે વખતે મહર્ષિ વ્‍યાસના મુખેથી સાંભળી ને મહાભારત લખી રહેલા ગણપતિની પ્રતિમા ધડનાર ગણેશ પાટકરને પ્રથમ ઇનામ મળેલું.

હવે તો દર વર્ષે આયોજકોની મુખ્‍ય મુંઝવણ એક જ હોય છે. આ વર્ષ નવું શું બનાવવું ? ગણપતિજીની મૂર્તિ અને એની આસપાસ થતી સજાવટનો મહિમા ખુબ વધી ગયો છે. જેની રોજે રોજ પુજા થાય તે ગણપતિની નાનકડી મૂર્તિ વિધિસર પધરાવાય છે. તેના સ્‍વરૂપ સાથે કોઈ ચેડા થતાં નથી. પરંતુ તેની બાજુમાં ઉભી કરેલી સજાવટમાં ગણપતિને વિવિધ સ્‍વરૂપમાં રજુ કરાય છે.

ઉત્‍સવ માટેની મુર્તિ માટીની જ હોવી જોઇએ એવી શાષાની આજ્ઞા છે. પરંતુ ઘણા મંડળોમાં કાજુના, કલ્‍ચર્ડ મોતીના અને તાંદુલના ગણપતિ જોવા મળે. થોડા વર્ષો પહેલાં તો લોઅર પરેલ (મહારાષ્ટ્ર)માં તો કાચા કેળાની બનેલી ગણપતિની મૂર્તિએ સારૂં એવું આકર્ષણ જમાવ્‍યું હતું. પરંતુ બે ત્રણ દિવસ પછી કેળા પાકીને ગળવા લાગ્‍યા ત્‍યારે આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. નવીનતા લાવવા માટે લોકો ચોકલેટ, બલ્‍બના કે, શાકભાજીનાં ગણેશ પણ બનાવે છે. ત્‍યારે આ મૂર્તિનું એક અથવા ત્રણ દિવસ પછી વિસર્જન કરવાનું યોગ્‍ય ગણાય.

ગણપતિની મૂર્તિ જેટલું જ કે કદાચ તેથી પણ વધુ આકર્ષણ તેની આસપાસ રજુ કરાયેલો પ્રસંગ જમાવે છે એ પ્રસંગ પૌરાણિક - ઐતિહાસિક અથવા વર્તમાન પ્રસંગને લગતો હોઇ શકે. મૂર્તિના સ્‍વરૂપ જેટલી જ વિવિધતા પ્રસંગની પસંદગીમાં જોવા મળે છે. હવે તો ઓડિયો- વિઝયુઅલ્‍સનો પણ ઉપયોગ શરૂ થયો છે.

આમ ૧૯૮૮ થી દર વર્ષે શ્રેષ્ઠ ગણપતિને ઇનામ આપવાનો પ્રારંભ થયા બાદ હવે તો આ સ્‍પર્ધામાં મૂર્તિનો થીમ, મૂર્તિ શેમાંથી બનાવેલી છે, મંડપ મૂર્તિની આસપાસનું ડેકોરેશન, સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ, સ્‍પેશ્‍યલ ઇફેકટસ, મૂર્તિની અને મંડપની આજુબાજુ ચોખ્‍ખાઇ, આયોજકોનો ઉત્‍સાહ પણ જોવાય છે. સાથોસાથ ગણપતિ ઉત્‍સવ દરમિયાન આયોજકોએ કરેલ સામાજીક કાર્યો જેવા કે, રક્‍તદાન કેમ્‍પ, નેત્રદાન શિબિર, બાલવાડીમાં રમકડાં, પુસ્‍તકાલયમાં પુસ્‍તકો, નોટબુકોનું વિતરણ કરવા ઉપરાંત વૃદ્ધો માટે સ્‍પેશ્‍યલ ટુરનું આયોજન કરીને તેમને યાત્રા કરાવવી પણ સહજ બન્‍યું છે.

ફંડ ફાળાની રકમનો હિસાબ બરાબર રહે છે કે કેમ ? તે પણ જોવાય છે અને પછી જ મંડળને વિજેતા જાહેર કરવામાં આવે છે. જામનગરમાં પણ બે મુખ્‍ય ચેરીટેબલ ટ્રસ્‍ટ શ્રી ભાગ્‍ય લક્ષ્મી એજયુ એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને હરિદાસ જીવણદાસ લાલ દ્વારા આવા શ્રેષ્ઠ ગણેશ મંડળોને પ્રોત્‍સાહીત કરે છે.

ગણેશોત્‍સવ સ્‍પર્ધાઓના અન્‍ય ગુણદોષ જે હોય તે પરંતુ કલાની કદર કરનાર કોઈ છે એ જાણીને શેર લોહી તો ચડે જ છે.

: આલેખન :

દિલીપ ધ્રુવ

જામનગર

મો. ૯૮૨૫૨ ૨૪૦૪૨

(9:41 AM IST)