<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ગોંડલ બસ સ્‍ટેશનની હાલત નર્કાગાર જેવીઃ ઢોર-કુતરાના આંટાફેરાઃ ગંદકીના ગંજ

ગુજરાત એસ.ટી., મુસાફર હિતરક્ષક સમીતીની ટીમ જાત તપાસમાં પહોંચતા અનેક ગેરરીતીઓ સામે આવીઃ ફરીયાદ બુક આપવા પણ આનાકાનીઃ અંતે મુખ્‍યમંત્રી, વાહન વ્‍યવહાર મંત્રી અને એમ.ડી. સુધી લેખીત ફરીયાદ

રાજકોટઃ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્‍થાપક ગજેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઇન્‍દુભા રાઓલ, હર્ષવર્ધનસિંહ ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, મહેન્‍દ્રસિંહ કે. જાડેજા, ગજુભા જાડેજા, કેતન તાળા, પ્રવીણભાઈ લાખાણી  સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે કે રાજ્‍યના  મુખ્‍યમંત્રી અને વાહન વ્‍યવહાર મંત્રી એવું કહે છે કે રાજ્‍યમાં રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા ૨૫ લાખ મુસાફરોને આધુનિક ઇન્‍સ્‍ફાસ્‍ટ્રક્‍ચર સાથે સારી સુવિધા મળે તે માટે રાજ્‍ય સરકાર પ્રયત્‍નશીલ અને કટીબધ્‍ધ છે. પરંતુ સામે વાસ્‍તવિકતા સાવ જુદી છે.

    ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તાજેતરમાં રાજકોટ ડિવિઝન હેઠળના ગોંડલ એસ.ટી બસ સ્‍ટેશનની સાઇટ વિઝીટમાં ગોંડલ ડેપોની પોલ ખુલી ગઈ હતી. આ બસ સ્‍ટેશનની હાલત ખાડે ડૂચા અને દરવાજા મોકળા જેવો તાલ દેખાયો હતો. વહીવટ પણ અંધેરી નગરી ગંડુ રાજા જેવો છે. ગોંડલ બસ સ્‍ટેશનની  અંદર ઢોર, કુતરાનો ત્રાસ હોય અંદર ખૂટીયા આંટા મારતા હતા. વરસાદી પાણીના તળાવ જેવા ખાબોચિયા ભરાયેલા હતા. મુસાફરોને બેસવાની જગ્‍યા છે ત્‍યાં પ્‍લેટફોર્મ નંબર ૨,૩ અને ૪ પર ઢોર કુતરાનો ત્રાસ જોવા મળેલ હતો. બસ સ્‍ટેશનની એટીઆઈ ઓફિસની સામે ના ગેટ પર તેમજ બસ સ્‍ટેશનના આઉટગેટ પાસે કચરાના ગંજ અને બિનજરૂરી ઝાડવા ઊગી નીકળેલ હતા. તેમજ બસ સ્‍ટેશનના આઉટ ગેટ પાસે તળાવ જેવું વરસાદી પાણીનું ખાબોચિયું ભરાયેલું હતું જે મુસાફરોના આરોગ્‍ય માટે જોખમી છે અને બાળકો માટે મોતની લટકતી તલવાર સમાન હોય ગોંડલ બસ સ્‍ટેશનની હાલત નર્કાગાર કરતાં પણ બદતર જોવા મળી હતી, લાઈટો હતી પણ રોશનીનો અભાવ હતો. પંખા પણ બંધ હાલતમાં જોવા મળ્‍યા હતા. મુસાફરો સમસ્‍યાઓથી ત્રાહિમામ હતા.  જે પગલે ગજેન્‍દ્રસિંહ ઝાલા દ્વારા જ્‍યારે ગોંડલ ડેપોમાં ટ્રાફિક કંટ્રોલરની ઓફિસમાં ફરિયાદ બુક માંગતા એવું જણાવ્‍યું કે હું તો કંડકટર છું ટ્રાફિક કંટ્રોલર હાજર નથી. ગજેન્‍દ્રસિંહે  સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જ અને ડેપો મેનેજર વિષે પણ પુછપરછ કરતા બન્ને  ગેરહાજર હોય જે પગલે ઉપસ્‍થિત એટીઆઈ મનીષભાઈ એસ બગથરીયાને ફરિયાદ બુક બાબતે રજૂઆત કરી ત્‍યારે ફરિયાદ બુક નથી  પરંતુ તમારે જે કાંઈ ફરિયાદો હોય તે કાગળમાં લખીને આપો એવું કહેવાયું હતું. કંટ્રોલરની ઓફિસમાં ફરિયાદ બુક રાખવી ફરજીયાત હોય  ફરિયાદ બુકમાં જ ફરિયાદ કરવી છે એવો ગજુભા દ્વારા હઠાગ્રહ રખાતા અંતે એટીઆઈ ને ફરિયાદ બુક આપવાની ફરજ પડી હતી ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથીમાં  (પરિશિષ્ટ અ) ગજેન્‍દ્રસિંહ ઝાલા દ્વારા ફરિયાદ નંબર ૧૩૭૬૮૯ થી ફરિયાદ કરવામાં આવી છે અને આ અંગે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ વાહન વ્‍યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના મેનેજિંગ ડિરેક્‍ટરને ગોંડલ ડેપોના વહીવટ અને અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી તેમ  ગજેન્‍દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈન્‍દુભા રાઓલે સંયુકત યાદીમાં જણાવાયું છે.

(4:16 PM IST)