<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

બાંટવા લૂંટનો મામલો શંકાસ્‍પદ?: જુદા-જુદા એંગલથી ૩૬ કલાકથી અવિરત તપાસ

ડોગ ઘટના સ્‍થળથી ૧૫૦ મીટર વિસ્‍તારમાં જ અટકી ગયો, ભેદ ઉકેલવા જિલ્લાભરની પોલીસના ઉજાગરા :અગાઉ પકડાઈ ચૂકેલા શખ્‍સો સહિતના શંકાસ્‍પદ ઈસમોની પૂછપરછ, સંખ્‍યાબંધ સીસીટીવી કેમેરા ફંફોળવામાં આવ્‍યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૭: બાંટવા લૂંટનો મામલો શંકાસ્‍પદ છે કે નહિ સહિતના એંગલથી ૩૬ કલાકથી પોલીસે અવિરત તપાસ જારી રાખીને ઘટનાનાં મૂળ સુધી પહોંચવા કમર કસી છે.

લૂંટની ઘટનામાં ભોગ બનનાર બે સેલ્‍સમેન પૈકી એકની પીઠ પર છરીનો વાર કરવામાં આવ્‍યો હોવાની વાત તેઓ કરી રહ્યા છે પરંતુ પીઠ પર થયેલો ઘા સાધારણ હોવાથી લૂંટની વાતો ઉપજાવી કાઢી પણ હોઈ શકે તેવી શંકા પોલીસના સૂત્રોમાંથી મળી છે. જોકે પોલીસ આ દિશામાં પણ પગેરું દબાવીને ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે

જુનાગઢ જિલ્લાના બાટવા પાસે અમદાવાદની કલા ગોલ્‍ડ ફેક્‍ટરીના બે સેલ્‍સમેન પાસેથી રૂપિયા ૧.૧૫ કરોડથી વધારેનું સોનુ અને રોકડની લૂંટ ચલાવી નાસી ગયેલાં ત્રણ લૂંટારાને પકડી પાડવા માટે જિલ્લાભરની પોલીસ સમગ્ર પંથક ખૂંદી રહી છે. લૂંટની ઘટનાના ૩૬ કલાક વિત્‍યા પછી પણ જુનાગઢ એસપી હર્ષદ મહેતા, ૨ ડીવાયએસપી બી. સી. ઠક્કર, ડી. વી. કોડીયાતર, ૫ પીઆઈ, ૧૧ પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો તપાસ ચલાવી રહ્યો છે.

બાંટવા પાસેની લુંટના બનાવનાર મૂળ સુધી પહોંચવા માટે પોલીસે એડી ચોટીનો જોર લગાવ્‍યું છે. જેના અનુસંધાને અમદાવાદમાં માણેકચોક ખાતે આવેલ કલા ગોલ્‍ડ ફેક્‍ટરીના માલિક સંજયભાઈ બાલચંદભાઈ શાહને પોલીસે અમદાવાદથી બોલાવી તેનું નિવેદન લીધું હતું. તેમજ સેલ્‍સમેનને આપેલ દાગીના તથા અન્‍ય દાગીનાનાં સ્‍ટોકની માહિતી પોલીસે મેળવી હતી.ᅠ

અઢી કિલો સોનાના દાગીના, પાંચ કિલો ચાંદીના દાગીના અને રૂપિયા ૨.૬૬ લાખની રોકડ સહિત કુલ રૂપિયા ૧,૧૫,૮૨,૦૦૦નાં મુદ્દામાલની લૂંટની તપાસ પોલીસની ૮ થી ૧૦ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા માણાવદર થી કુતિયાણા સુધીના વિસ્‍તારની ૧૫ જગ્‍યાના સીસીટીવી કેમેરા ફંફોળવામાં આવ્‍યા છે. તેમજ ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સ, એફએસએલ વગેરેની મદદ લેવામાં આવી છે. તમામ ટીમ અલગ અલગ તપાસની કામગીરી કરી રહી છે.ᅠ

લુંટના બનાવ અંગે પોલીસ ૩૬ કલાકથી તપાસ કરી રહી છે. તપાસ માટે પોલીસ ડોગની પણ મદદ લેવામાં આવી હતી. બનાવની જગ્‍યાએ ડોગને લઈ જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પરંતુ ડોગ બનાવ સ્‍થળથી જઈને થોભી ગયો હતો. આમ ડોગ મારફત પણ કોઈ મહત્‍વની કડી નહિ મળતા પોલીસે તપાસને વધુ તેજ બનાવી છે.

ગુરુવારની રાત્રે ૮ અમદાવાદની કલા ગોલ્‍ડ ફેક્‍ટરીમાં ૨ સેલ્‍સમેન પાસેથી છરીની અણીએ લૂંટ ચલાવી ટુ વ્‍હીલર પર નાસી ગયેલા ૩ શખ્‍સને ઝડપી લેવા માટે પોલીસે બનાવ સ્‍થળ આસપાસના વિસ્‍તારોના ૨૫ થી ૩૦ જેટલા શંકાસ્‍પદ શખ્‍સની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. તેમજ અગાઉ પકડાઈ ચૂકેલા શખ્‍સોને પણ પોલીસ દ્વારા તપાસવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત જૂનાગઢ ઉપરાંતના જિલ્લાઓના શંકાસ્‍પદ શખ્‍સોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે.

(10:33 AM IST)