તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Saturday, 7th September 2024
મોરબી નિખિલ ધામેચા હત્યા કેસ સીબીઆઈને સોંપાતા હત્યારા ઓળખાઈ જવાની માતાપિતાને આશા બંધાઈ
ગુજરાત પોલીસે કઈ કર્યું ન હોવાનો આરોપઃ સીબીઆઈ ઉપર વિશ્વાસઃ અમારા નિર્દોષ બાળકનો વાંક શું ? અમારે એ જ જવાબ જોઈએ છે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૭: મોરબીમાં નવ વર્ષ પૂર્વે નિખિલ પરેશભાઈ ધામેચા નામના ૧૪ વર્ષના માસુમ બાળકનું અપહરણ થયા બાદ લાશ મળી આવી હતી અને આ ચકચારી કેસમાં અપહરણ કરી હત્યા કરનાર શખ્સો જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ સ્થાનિક પોલીસ બાદ સીઆઇડી પણ તપાસમાં કઈ ઉકાળી ન શકતા અંતે હાઇકોર્ટમાં કાનૂની લડત આપી મળતકના પિતાની માંગ મુજબ આ ભેદભરમના આટાપાટા સર્જતો કેસ સીબીઆઈને સોંપવામાં આવતા મળતક નિખિલના પિતા પરેશભાઈએ હત્યારાઓ ઓળખાઈ જવાની સાથે પોતાના નિર્દોષ બાળકને શા માટે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તે વણઉકેલ પ્રશ્નનો જવાબ મળવાની આશા વ્યક્ત કરી દોષિત ફાંસીના માંચડા સુધી પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મોરબીમાં રહેતા અને દરજીકામ કરી ગુજરાન ચલાવતા પરેશભાઈ ધામેચાના ૧૪ વર્ષના પુત્ર નિખિલનું તા.૧૫-૧૨-૨૦૧૫ના રોજ અપહરણ થયા બાદ તા.૧૮-૧૨-૨૦૧૫ના રોજ મળતદેહ મળી આવતા સ્થાનિક પોલીસે અપહરણ અને હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ આ ભેદભરમ સર્જનાર ઘટનામાં કોઈ નક્કર હકીકત સુધી ન પહોંચી શકતા આ રહસ્યના આટાપાટા સર્જતી ક્રાઇમ થ્રિલર સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટનાની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી. જો કે, સીઆઇડીએ પણ વર્ષો સુધી તપાસ કર્યા બાદ આરોપીઓ સુધી કે બનાવના કારણ સુધી પહોંચી શકી ન હતી.
બીજી તરફ નિખિલ ધામેચાના પિતા પરેશભાઈ ધામેચા અને માતા કીર્તિબેન ધામેચા પોતાના વ્હાલસોયા પુત્રનો વાંક શું ? ગુન્હો શું ? તો આવી રીતે અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દેવાયો તેવા નિરુત્તર પ્રશ્નને લઈ સ્થાનિક પોલીસ અને સીઆઇડીની તપાસ ઉપર વિશ્વાસ ન હોવાનું જણાવી સતત હાઇકોર્ટમાં કાનૂની લડત આપી સીબીઆઈને તપાસ સોંપવા માંગ કરતા અંતે હાઇકોર્ટે સીબીઆઈને તપાસ સોંપતા નિખિલના પિતા પરેશભાઈએ હવે આરોપીઓ ઓળખાઈ જવાની આશા વ્યકત કરી તેમના નિર્દોષ પુત્રને શા માટે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તે કારણનો પણ ઉત્તર મળેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
