News of Saturday, 7th September 2024
અમરેલી યાર્ડમાં ઘઉંની ગુણીઓ મજૂરો ઉપર પડતા : ૫ દટાયા : ૧નું મોત
માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓના ગોડાઉનમાં દુર્ઘટના સર્જાતા દોડધામ મચી : મજૂરો દટાયાની પહેલીવાર ઘટના સામે આવી : નવા ખીજડીયા ગામના મજુર વિપુલભાઇ દિનેશભાઇ કનકનું મૃત્યુ થતાં અરેરાટી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૭ : અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ગુણીઓ મજૂર ઉપર પડતા ચાર મજૂરો દબાઈ ગયા હતા. જેમાંથી એક મજૂરનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આવેલ નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલ વેપારીના ગોડાઉનમાં મોટી સંખ્યામાં ઘઉંની (ગુણી) થેલીઓ પડી હતી. તેવા સમયે અન્ય ટ્રક બહાર લોડ રાખી આ ઘઉંની થેલીઓ ૫ મજૂરો ઉતારતા હતા તેવા સમયે આ મોટી સંખ્યામાં થપ્પી કરેલી થેલીઓ મજૂરો ઉપર આવતા અફડા તફડી વચ્ચે ૫ મજૂરો દટાય ગયા અને ભારે રાડા રાડ બોલી ગઈ હતી. ગોડાઉન માલિક સહિત લોકો દોડ્યા હતા. જેમાં ૧ મજૂરનું મોત થયું હતું અને ૪ મજૂરોને ઇજાગ્રસ્ત હોવાને કારણે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. યાર્ડના સત્તાધીશો ગોડાઉન માલિક વેપારીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા છે. મજૂર નું મોત થયા યાર્ડમાં શોકનો માહોલ છવાયો છે.
અમરેલી નવા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીનો સંપર્ક કરતા કહ્યું યાર્ડમાં આવેલ વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી જે ઉતારતા સમયે બનાવ બન્યો છે યાર્ડનુ ગોડાઉન નથી.
માર્કેટીંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનની આ ઘટનામાં નવા ખીજડીયા ગામના મજૂર વિપુલભાઈ દિનેશભાઈ કનક (ઉ.૩૦)ને વધુ ઇજાગ્રસ્ત થવાના કારણે મોત થયું અન્ય ૪ મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં જયંતીભાઈ જીવરાજભાઈ ભેસાણીયા રે.નવા ખીજડીયા, વિપુલ ભાલાભાઈ ગોહિલ, ધનસુખભાઈ દેવજીભાઈ ભેસાણીયા નવા ખીજડીયા, નટુભાઈ ભીખુભાઇ ભાલુ રે.સાવરકુંડલા હાલ તમામ લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
