<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

પોલીસ ફરિયાદનો ખાર રાખી, મૂળવાસરના યુવાન પર હુમલોઃ લૂંટ ચલાવતા પાંચ સામે ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીાય, તા. ૭ :  દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ઈશ્વરભાઈ સમૈયાભા રાજાભા સુમણીયા નામના ૨૫ વર્ષના વેપારી યુવાન ગઈકાલે શુક્રવારે સાંજના સમયે તેમની દુકાને હતા, ત્‍યારે રંગાસર ગામના રાજેશ માલા સુમણીયા, માલા સાજા સુમણીયા, લાલુ સાજા સુમણીયા અને હમુસર ગામના રામસંગ દાનુભા હાથલ અને લાલસિંગપુર ગામના ભાવુભા વાલાભા માણેક નામના પાંચ શખ્‍સોએ એકસંપ કરી અને પૂર્વયોજિત કાવતરું રચી, છરી તથા લાકડાના ધોકા વડે તેમની દુકાનમાં તોડફોડ મચાવી હતી.

અહીં ફરિયાદી ઈશ્વરભાઈ તેમજ સાહેદ સમૈયાભા રાજાભા સુમણીયા અને શ્‍યામ સમૈયાભા સુમણીયાને બિભત્‍સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી, છરી બતાવી અને દુકાનના ખાનામાંથી રૂપિયા ૧૦,૦૦૦ ની લૂંટ ચલાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ધોરણસર ફરિયાદ ઈશ્વરભાઈ સુમણીયા દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદીના કાકાના ભાઈ ડાડુભા સુમણીયાએ આરોપીઓ વિરુદ્ધ અગાઉ મીઠાપુર પોલીસ મથકમાં કોઈ બાબતે

ફરિયાદ કરી હતી. તે બાબતે મીઠાપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા આરોપીઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા અને લાંબા સમય બાદ જેલમાંથી જામીન મુક્‍ત થયા બાદ આ બાબતનું મનદુઃખ રાખી, હુમલો કરી, લૂંટ ચલાવીને ધમકી આપી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી  તપાસ પી.એસ.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(1:32 PM IST)