News of Monday, 9th September 2024
રાજુલાનાં પીપાવાવ ધામના યુવકની બાઈક વડે ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા
વરસાદી મોસમમાં અનેક મુશ્કેલીઓ સામે સંતોષ સાંખટનું અડગ મનોબળ

રાજુલા તા.૦૯: તાલુકાનાં પીપાવાવ ધામનો સંતોષ સાંખટ નામના યુવાને પોતાની સ્પ્લેન્ડર બાઈક પરથી સુરત મુકામેથી ૧૫ ઓગસ્ટનાં રોજ થી પોતાની યાત્રા ચાલુ કરી હતી સૌપ્રથમ પોતાનાં માદરે વતન પીપાવાવ ધામ પહોંચી સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરે દર્શન કર્યા હતા અને ૨૨ ઓગસ્ટનાં રોજ સૌપ્રથમ સોમનાથ પ્રથમ જ્યોર્તિલિંગ પહોંચ્યા હતા. ત્યારબાદ ૨૪ ઓગસ્ટનાં રોજ નાગેશ્વર જ્યોર્તિલિંગ દર્શન કરી દ્વારકા ખાતે પ્રથમ યાત્રાધામ ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ બાઈક પર ધોધમાર વરસાદ વચ્ચે પણ મધ્યપ્રદેશ સ્થિત ઉજ્જૈન મહાકાલ મંદિર તરફ પ્રયાણ કરે છે અને તા. ૨૯ ઓગસ્ટનાં રોજ મહાકાલેશ્વર જયોર્તિલિંગનાં દર્શન કરે છે. ત્યારબાદ ૧ સપ્ટેમ્બરનાં રોજ ઓમકારેશ્વર જયોર્તિલિંગનાં દર્શન કરી મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે જ્યાં ૩ સપ્ટેમ્બરનાં રોજ ઘૃષ્ણેશ્વર જ્યોર્તિલિંગ દર્શન તથા ૫ સપ્ટેમ્બર નાશિક ત્રંબકેશ્વર જ્યોર્તિલિંગ અને ૬ સપ્ટેમ્બરનાં રોજ ભીમાશંકર જ્યોર્તિલિંગ દર્શન કરી હાલ તેઓ દક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્યમાં આવેલ રામેશ્વરમ જ્યોર્તિલિંગ તરફ આગળ વધી રહ્યા છે તેમણે અત્યાર સુધીમાં ૭ જ્યોર્તિલિંગ અને એક યાત્રાધામનાં દર્શન કર્યા છે અને પોતાની સ્પ્લેન્ડર બાઈક પર ૩૦૦૦ થી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું છે આ અંતર તેમણે ૨૨ દિવસ જેટલા સમયમાં કાપ્યું છે. આગામી દિવસોમાં વધુ ૫ જ્યોર્તિલિંગ અને ત્રણ યાત્રાધામની યાત્રા મોટરસાયકલ પર કરશે. જેમાં ૧૦૦ દિવસમાં ૧૫૦૦૦ થી વધુ કિલોમીટરની યાત્રા કરશે.
આ યાત્રા અંગે તમામ વિગતો તે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી @ટ્રાવેલંમુંડા પર અપલોડ કરે છે. તેમણે જણાવ્યું હતું કે મારે ભારત ભ્રમણ કરવાનો પણ વિચાર હતો જેથી બાર જ્યોર્તિલિંગ અને ચાર ધામ યાત્રામાં મોટાં ભાગનું ભારત ભ્રમણ થઇ જાય છે. જેથી મોટરસાયકલ પર જ ભારત ભ્રમણ યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો. અને પરિવારનાં લોકો પણ સંમતિ આપતા હું રવાના થયો. બીજું કે આપણે બસ, ટ્રેન કે કાર મારફતે યાત્રા માટે ધણું બધું પ્લાનિંગ કરવું પડે છે પરંતુ મેં વિચાર્યું કે હાલ આપણે જોડે મોટરસાયકલ છે તો તેમાં જ યાત્રા કરીએ.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
