News of Monday, 9th September 2024
મુંબઈ- ભાવનગર ની ફલાઈટ ચાર- ચાર કલાકના વિલંબ બાદ ભાવનગરના આકાશમાં ચક્કર મારી મુંબઈ પરત ગઈ
૬૫ મુસાફરો હેરાન થયાઃ ફ લાઈટમાં પાણીની પણ વ્યવસ્થા ન હતી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯: મુંબઈ -ભાવનગર ની સ્પાઈસ જેટ ની ફ્લાઈટે નિર્ધારિત સમય કરતા ચાર -ચાર કલાકના વિલંબ બાદ મુંબઈથી ઉડાન ભર્યા પછી ભાવનગરના આકાશમાં એક કલાક ચક્કર માર્યા હતા. અને પરત મુંબઈ લેન્ડ કરાવી હતી .આ કારણોસર ૬૫ મુસાફરો ને ભારે હાલાકી અનુભવી હતી.
આ ફ્લાઈટમાં સફર કરતા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ભાવનગર ના ઉપપ્રમુખ તેજસભાઈ શેઠનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, મુંબઈથી ભાવનગર આવવા માટે બપોરે ૪.૩૦ વાગ્યાની સ્પાઈસ જેટની ફ્લાઈટ હતી. ગઈકાલે મુંબઈના શાંતાક્રૂઝ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી આ ફ્લાઈટને ઉડાન ભરવામાં નિર્ધારિત સમય કરતા ચાર કલાકનો વિલંબ થયો હતો. જેના પરિણામે ફ્લાઈટે છેક રાત્રીના ૮.૩૦થી ૯ વાગ્યાના અરસામાં ઉડાન ભરી હતી. નિર્ધારીત સમય કરતા ૪ કલાક ફ્લાઈટ મોડી થવા અંગે કંપની તરફથી કોઈ સ્પષ્ટતા ન થતાં મુસાફરો અકળાયા હતાં. જોકે આખરે ફ્લાઇટે ટેકઓફ કરતા પ્લેનમાં સફર કરતા ૬૫ મુસાફરોને હાશકારો થયો હતો. પરંતુ તે ક્ષણજીવી નિવડયો હતો. કારણે ફ્લાઈટે એક કલાક સુધી ભાવનગરના આકાશમાં ચક્કર લગાવ્યા બાદ લેન્ડીંગ કર્યું નહોતું.એવામાં, એવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે, ટેકનિકલ ઈસ્યુ છે. આથી ફ્લાઈટને પરત મુંબઈ લઈ જવામાં આવી હતી. ત્યાં લેન્ડ થયા બાદ પાઈલટ કશી માહિતી આપ્યા વગર જતા રહ્યા હતા. ફ્લાઈટમાં પાણી સુદ્ધાંની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. ફ્લાઈટમાં ૩૦ ટકા બહેનો મુસાફરી કરી રહ્યા હતા અને બે મુસાફરના તો માતાનું અવસાન થયું હોઈ પહોંચવું જ પડે તેમ હતું. આ બાબતે મુસાફરોએ અવાર-નવાર પુછપરછ કરવા જતા કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હોવાનું તેમણે વિગતો આપતા અંતમાં દાવા સાથે - જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા પખવાડિયા ઉપરાંતના સમયથી ફ્લાઈટને લઈને વિવિધ ઈસ્યુ સર્જાયા છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો હતો. આથી મુસાફરોમાં ભારે નારાજગી જન્મી હતી.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
