<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

જુનાગઢમાં રોડ તોડયા વગર ૪ર૭ સીસી ટીવીકેમેરા લગાવાયાઃ નેત્રમ શાખા ૧ર વખત રાજયમાં પ્રથમ ‘‘અકિલા'' સાથે એસપી હર્ષદ મહેતાની વાતચીત

તસ્‍વીરમાં પ્રથમ વખત સીસી ટીવી કેમેરા નાખવા આધુનિક મશીનનો ઉપયોગ થઇ રહ્યો છે. તેમજ વિગતો આપતા એસ. પી. હર્ષદ મહેતા અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂ નજરે પડે છે. (તસ્‍વરઃ મુકેશ વાઘેલા)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯: એસપી હર્ષદ મહેતાએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે જુનાગઢ શહેરમાં પ્રથમ વખત ડ્રિલીંગ પધ્‍ધતિનો ઉપયોગ કરી રોડ તોડયા વગર ૪ર૭ કેમેરા લગાવવામાં આવેલ છે.

શ્રી હર્ષદ મહેતાએ વધુમાં જણાવેલ કે જુનાગઢ શહેરમાં રોડ તોડયા વિના જ સીસી ટીવી કેમેરા ફિટ કરવાની કામગીરી હાથ ધરાઇ છે અત્‍યાર સુધી રોડના એક છેડાથી બીજા છેડા સુધી કેબલ પાઇપ પહોંચાડવા માટે રોડને તોડવો પડતો હતો પણ હવે આધુનિક પધ્‍ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનાથી રોડને નુકશાન કર્યા વિના સીસી ટીવી કેમેરાના કેબલ અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલ તરીકે નાખવામાં આવે છે આમ જુનાગઢ શહેર અને જીલ્લામાં પ્રથમ વખત રોડને તોડયા વગર જ હોરિઝોન્‍ટલ ડાઇરેકશન ડ્રીલીંગ મશીનનો ઉપયોગ કરીને સીસી ટીવી કેમેરા નાખવામાં આવી રહ્યા છે.

વધુમાં જણાવેલ કે આ નવી ટેકનોલોજીથી એક તો રસ્‍તા તુટતા બચશે તેમજ રસ્‍તા ખોદવાના કારણે ટ્રાફિકની જે સમસ્‍યા સર્જાતી હતી તેનો અંત આવશે અને લોકો તેમજ વાહન ચાલકોને અવરજવરમાં કોઇ મુશ્‍કેલી નહીં પડે. જુનાગઢ શહેરમાં એસ.પી. કચેરી ખાતેની નેત્રમ શાખા કાર્યરત છે. આ શાખા દ્વારા ગુજરાત સરકારના વિશ્‍વાસ પ્રોજેકટ અંતર્ગત સીસી ટીવી કેમેરા લગાવવાની કામગીરી કરવાના પ્રથમ કેસમાં ર૮પ કેમેરા લગાવ્‍યા હતા. અને નેત્રમ શાખાના પીએસઆઇ પી. એચ. મશરૂ અને તેની ટીમ દ્વારા સારી કામગીરી થતા બીજા કેસમાં વધુ કેમેરા અપાયા છે અને જિલ્લામાં વધુ ૪ર૭ કેમેરા ઇન્‍સ્‍ટોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરી કેસ ડીટેકશનની કામગીરી કરનારને ત્રણ માસે ડીજીપી વિકાસ સહાયના વરદ હસ્‍તે એવોર્ડ એનાયત થાય છે. એપ્રીલ ર૦ર૧ થી જુના ર૦ર૪ સુધીમાં ૧ર વખત કામગીરીનું મુલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. આમાં ગુના ઉકેલવાની શોધ કેટેગરીમાં રાજયમાં સૌથી વધુ કેસ ડિટેકટ કરી જુનાગઢ નેત્રમ શાખા ૧રમી વખત રાજયમાં પ્રથમ નંબરે આવતા એવોર્ડ આપી નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂને સન્‍માનિત કરવામાં આવેલ તેમજ માર્ગ સુરક્ષામાં જુનાગઢ નેત્રમ શાખાને ૩ વખત એવોર્ડ પ્રાપ્‍ત થયેલ જયારે ર વખત જુનાગઢ નેત્રમ શાખાને ઇ-કોપ એવોર્ડ એનાયત કરાયેલ આમ ૩ વર્ષમાં ૧૭ એવોર્ડ પ્રાપ્‍ત કરી નેત્રમ શાખાએ ઉત્‍કૃષ્‍ઠ કામગીરી બજાવેલ છે.

(1:51 PM IST)