<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

બાંટવા લૂંટ કેસમાં યાજ્ઞિક, મોહિત જોશી અને ધનરાજ ૬ દિ'ના રિમાન્‍ડ પર : માંગ્‍યા'તા ૧૨ દિ'ના

ઘટનામાં અન્‍યની સંડોવણી અંગે ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ - તપાસ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૧૦  : અમદાવાદની કલા ગોલ્‍ડ નામની જ્‍વેલર્સ પેઢીના સેલ્‍સમેન યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાડાંગેને બાંટવા નજીક રૂપિયા ૧.૧૫ કરોડના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લુટી લેવાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી ફરિયાદી યાજ્ઞિક તથા તેનો ભાઈ મોહિત જોશી અને ધનરાજની ધરપકડ કરી ત્રણેયને રિમાન્‍ડ ઉપર મેળવેલ છે.

એસપી હર્ષદ મહેતાના સતત માર્ગદર્શનથી કેશોદના ડીવાયએસપી બી. સી. ઠક્કર, માંગરોળના ડી. વી. કોડીયાતર, જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યા, ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઇ જે. જે. પટેલ, એસઓજી, એફએસએલનાં ભાવિન સોનારા, અલ્‍પેશ સરીયા, માનસી ટીલવા તથા ડોગ, ૫ પીઆઈ, ૧૧ પીએસઆઈ સહિતની ૮ ટીમનો ૧૫૦ પોલીસનો કાફલાએ રાત દિવસ ઉજાગરા કરી તપાસ હાથ ધરી હતી. અને ઘટના સ્‍થળ નજીક બાંટવા પોલીસ સ્‍ટેશન સામે આવેલ આહિર સમાજની વાડી ખાતે ધામા નાંખ્‍યા હતા. અહીં પોલીસ સ્‍ટાફ માટે ભોજન સહિતની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.

એલસીબીના પીઆઇ જતીન જે. પટેલ સહિતની ટીમે આંખનો મટકુ માર્યા વગર તપાસ કરી અને અમદાવાદ પહોંચીને ગ્રુપના બનાવવાનો ભેદ ઉકેલ્‍યો હતો અને ફરિયાદી યાજ્ઞિકના ભાઈ મોહિત જોશીની મુદ્દામાલ સાથે અટક કરીને જુનાગઢ લાવી ઘટનાનું દૂધ અને પાણીનું પાણી કર્યું હતું. આ બંનેની સાથે સેલ્‍સમેન ધનરાજ પણ લુંટના બનાવમાં સામેલ હોય તેને પણ ધરપકડ કરી ત્રિપુટીને ગઈકાલે બાર દિવસના રિમાન્‍ડની માંગણી સાથે એલસીબીએ કોર્ટમાં રજૂ કર્યા હતા અદાલતે છ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતા લુંટના બનાવામાં અન્‍ય કોઈની સંડોવણી છે કે નહીં સહિતના મુદ્દે ત્રણેય આરોપીની કડક પૂછપરછ અને કપાસ હાથ ધરી છે.

આરોપીઓએ રૂપિયા ૯૪ લાખનાં ૨૨ કેરેટ સોનાના ૧૪૦૦ ગ્રામના ઘરેણા, ૧૮ કેરેટ સોનાના ૨૫૦ ગ્રામનાં રૂપિયા ૧૪ લાખના દાગીના, રૂપિયા ૨.૬૬ લાખની ૪૭ ગ્રામ સોનાની રણી, રૂપિયા ૨.૫૦ લાખની કિંમતના ૫ કિલો ચાંદીના દાગીના અને રૂપિયા ૨.૬૬ લાખની રોકડ સહિત કુલ રૂપિયા ૧,૧૫,૮૨,૦૦૦નાં મુદ્દામાલની લૂંટ થઈ હોવાની સ્‍ટોરી આરોપીઓએ ઊભી કરી હતી પરંતુ આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા ૧,૮૦,૫૩, ૮૧૦નાં સોનાનાં ઘરેણાં, ચાંદી તથા રૂપિયા ૫,૦૪,૮૦૦ની રોકડ, જીજે ૦૧ ડબલ્‍યુજી ૯૮૯૩ નંબરની રૂપિયા ૪.૫૦ લાખની કિંમતની કાર સહિત કુલ રૂપિયા ૧,૯૦,૦૮,૬૧૯નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે લીધો હતો.

ફરિયાદી અને મુખ્‍ય આરોપી યાજ્ઞિક તથા તેનો ભાઈ મોહિત લાખની આવક સામે દોઢ લાખના હપ્તા ભરતા હોવાથી ૧.૧૫ કરોડની નાટક કરી પોલીસને ધંધે લગાડી હોવાનું પણ પૂછપરછમાં ખુલતા સનસનાટી મચી ગઈ હતી.

(10:36 AM IST)