News of Thursday, 12th September 2024
જસદણના આંબરડી ગામની સીમ પાસે થયેલ હત્યાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ્દ

રાજકોટ તા. ૧૨ : જસદણ તાલુકાના આંબરડી ગામની સીમમાં ત્રણ માસ પૂર્વે બે જૂથ વચ્ચે માથાકૂટ કરતા વચ્ચે પડેલા નવાણીયાની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા એક શખ્સની અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે વધુ વિગત મુજબ જસદણના આંબરડી ગામની સીમમાં ગત તારીખ ૧૫-૫-૨૦૨૪ ના રોજ સોમલપર ગામના અને વડલી ગામના શખ્સો આમને સામને ઝઘડો કરતા હોય ત્યારે ત્યાંથી પસાર થતાં રમેશભાઈ તળશીભાઇ ડાભી તથા તેના ભાઈ વલ્લભભાઈ તળશીભાઈ ડાભી (રહે સોમલપર ) વાળા ઉભા રહી ઝઘડો કરતા શખ્સોને છૂટા પાડતા હોય ત્યારે આરોપીઓ દ્વારા વલ્લભભાઈ તળશીભાઇ ડાભીને છરી અને ધોકા વડે માર મારી હત્યા નીપજાવ્યાની મૃતક ના ભાઈ રમેશભાઈ તળશીભાઇ ડાભી ની ફરિયાદ પરથી પોલીસે સાત આરોપીઓની સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કરેલા હતા.
જેલમાં રહેલા આરોપી રણજીત વલ્લભભાઈ બારૈયા (રહે વડલી, વિંછીયા) વાળાએ ચાર્જશીટ થયા પછી જેલમાંથી જામીન ઉપર છૂટવા માટે સેશન કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર રહી જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે આરોપીઓ દ્વારા નિર્દોષની હત્યા કરવામાં આવેલી છે. ઝઘડામાં વચ્ચે પડી છૂટા પાડવાના પ્રયત્ન કરતા હતા તેમ છતાં તેમને છરી અને ધોકા વડે માર મારી હત્યા નીપજાવી હતી. આવા જનુની લોકોને જામીન આપવા જોઈએ નહીં તેમજ ફરિયાદી બનાવને નજરે જોયેલા છે.
આરોપીઓ સામે ગુનાને લગતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલું છે. આ તમામ રજૂઆતને ધ્યાને લઈ સેશન જજ એમ.એચ. પઠાણ આરોપી રણજીત વલ્લભભાઈ બારૈયા ની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ મુકેશ પીપળીયાએ રજુઆતો કરી હતી.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
