તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ જેલ સહાયકનું ગળુ પકડી લઇ મારમાર્યો
બીજી સર્કલમાં જવાની ના પાડતા માથાકૂટ કરી હતી, પોલીસ કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૩: જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ જેલ સહાયકને ગળું પકડી લઇ માર મારતા પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
જેલ સહાયક અવકાશ એમ. ગામેતી ગુરુવારે સવારે ફરજ પર હતા ત્યારે સર્કલ નંબર ૧માં બંધ દુષ્કર્મનો આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણ મુંધવા મનસ્વી રીતે સર્કલ નંબર ૨માં જવા નીકળ્યો હતો. આથી જેલ સહાયક અવકાશ ગામીતે તેમણે રોકતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને તેને લાફો ઝીંકી દીધો હતો અને કાઠલો પકડી ગળુ દબાવીને મારી નાખવાની કોશિશ કરતા અન્ય જેલ કર્મીઓએ દોડી આવી બળપ્રયોગ કરીને જેલ સહાયકને છોડાવ્યા હતા.
આ ઘટનાથી જેલમાં દોડધામ મચી ગઈ હતી. અવકાશ ગામીતને ઇજા થતા જેલ દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેલ અધિક્ષક એચ. ઓ. વાળાએ જણાવ્યું હતું કે, આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણ મુંઘવા કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને પોકસોનાં ગુનામાં કેશોદ કોર્ટના હુકમથી ૧૧ ઓગસ્ટ ૨૦૨૩થી જૂનાગઢ જિલ્લા જેલમાં કેદ છે.
આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસે જેલ સહાયકની ફરિયાદ લઇ આરોપી સાગર ઉર્ફે ચોટી વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી વધુ તપાસ પીએસઆઇ જે. આર. વાજા ચલાવી રહ્યા છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
