તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
માળિયા પંથકમાં મીઠાના એકમોની નુકશાનીનો સર્વે કરાવવા રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૩ : માળીયા તાલુકામાં ભારે વરસાદથી મીઠાના ઍકમોને ખુબજ નુકસાન થયેલ છે. મીઠાના ઉદ્યોગો માળીયા તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય હોય મીઠાના મોટા-નાના ઍકમો પર ભારે વરસાદના કારણે મીઠાના સ્ટોકનું ખુબજ મોટું ધોવાણ થયેલ છે. તદુઉપરાંત ઍકમોના મેઈન બંધપાળા, તળાવો, કયારાઓ, રોડ મશીનરીઓ, ઈલેક્ટ્રીક મોટરો તથા વાયરીંગ, રોડ, રસ્તાઓ ઉપર ખુબજ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ નુકસાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગોને યોગ્ય સહાય આપવામાં આવે તેવી રજુઆત સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, ભારે વરસાદ અને મચ્છુના પુરના કારણે માળીયા(મિ)ના મીઠા ઉદ્યોગને કરોડોનું નુકશાન થયેલ છે.
સમગ્ર સૌરાષ્ટ્રને છેલ્લા ધમરોળી રહેલા મેઘરાજાઍ મોરબી જિલ્લામાં તબાહી સર્જી હતી ત્યારે આ ભારે વરસાદમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ મીઠા ઉદ્યોગને કલ્પના બહારનું નુકશાન થયું છે, માળીયા મિયાણા પંથકના ૫૦૦ નાના, ૧૦૦ મધ્યમ અને ૩ કંપનીઓમા તૈયાર મીઠા ઉપરાંત સાગર પાળા તોડી વરસાદી પાણી સોલ્ટ પ્લાન્ટમાં ઘુસી જતા કરોડો રૂપિયાનું નુકશાન થયું છે અને આ નુક્શાનીનો સાચો આંકડો સામે આવતા પણ મહીનાઓનો સમય લાગશે.
મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં ૫૦૦ જેટલા નાના અને ૧૦૦ જેટલા મોટા મીઠા ઉદ્યોગ આવેલા છે, આ ઉપરાંત હળવદ તાલુકામાં પણ નાના મોટા અનેક મીઠાના અગર આવેલ છે જે તમામને ભારે વરસાદને કારણે કલ્પના બહારનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને મચ્છુ - ૨ ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડવામાં આવતા મચ્છુના પાણી માળીયા પંથકમાં ફરી વળતા મીઠા ઉદ્યોગના કાચા - પાકા માલ ઉપર પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે.
મરીન સોલ્ટ મેન્યુ . ઍસોસિશન પ્રમુખ અને જયદીપ ઍન્ડ કંપનીના દિલુભા જાડેજાઍ જણાવ્યું હતું કે, અગાઉ આવેલ સુનામી અને તોકતે વાવઝોડા કરતા પણ વધુ નુકશાની ભારે વરસાદ અને મચ્છુ નદીના પાણી ફરી વળતા થઈ હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે, વરસાદી પાણીને કારણે ૫૦૦જેટલા નાના અને ૧૦૦ જેટલા મીઠાના ઍકમોના સાગર પાળા ધોવાઈ જતા પાણીનો પ્રવાહ મીઠાના ઍકમોમાં ઘુસી જતા ચારે તરફ કાદવ અને કીચડ ભરાઈ ગયા છે.
વધુમાં દિલુભા જાડેજાઍ ઉમેર્યું હતું કે, ભારે વરસાદને કારણે મીઠાની બેડ પણ ધોવાઈ ગઈ છે ઉપરાંત મીઠાનો કરોડો ટન જથ્થો પણ ધોવાઈ જતા ૨૫ ટકા જેટલો તૈયાર માલ પાણીમાં ઓગળી ગયો છે અને હજુ પણ વરસાદ આમને આમ ચાલુ રહેશે તો નુકશાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન માળીયા મિયાણા અને કચ્છ જિલ્લામાં થાય છે ત્યારે ભારે વરસાદ અને પુરની સ્થિતિમાં મીઠાનો કાચો માલ તેમજ તૈયાર માલ ધોવાઈ ગયો છે અને ૨૫ ટકા તૈયાર મીઠું પાણીમાં ઓગળી ગયું છે ત્યારે મીઠા ઉદ્યોગને પુનઃ સ્થાપિત થતા હજુ દોઢેક મહિનો લાગે તેમ હોય મીઠાની શોર્ટજ થાય તેવી સ્થિતિ હોવાનું મીઠાના અગ્રણી ઉધોગકાર દિલુભા જાડેજાઍ જણાવ્યું હતું.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
