<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

જામનગરમાં મનપા દ્વારા નિર્મિત નવા બન્ને વિસર્જન કુંડમાં ૭ દિવસ દરમિયાન ૨,૨૧૨ ગણપતિની મૂર્તિ વિસર્જિત કરાઈ : કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તંત્ર દ્વારા પૂરતી તકેદારી

ફાયર શાખાના કુલ ૧૨ જવાનોની ટીમ રાઉન્ડ ધ ક્લોક ગણપતિ ની મૂર્તિ ના વિસર્જન કાર્યમાં જોડાઈ : વિસર્જન કુંડ જામનગર નજીક રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા પાસે અને ખોડીયાર કોલોની સમર્પણ હોસ્પિટલ રોડ પર વિશાલ ઇન્ટરનેશનલ હોટલની પાછળના ભાગમાં તૈયાર કરાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૪ :  જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ ગણપતિજીની મૂર્તિઓને વિસર્જિત કરવા માટેના બે મોટા વિસર્જન કુંડ બનાવાયા છે. જે બન્ને વિસર્જનકુંડમાં ૭ દિવસ ના ગણપતિ મહોત્સવ દરમિયાન કુલ ૨,૨૧૨ નાની મોટી ગણપતિ ની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.

 

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ જે સ્થળે વિસર્જન કુંડ બનાવાય છે, તે સ્થળે હાલ પાણી ભરેલા હોવાના કારણે સ્થળની બદલી કરવામાં આવી છે, અને એક વિસર્જનકુંડ જામનગર નજીક રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા પાસે તૈયાર કરાયો છે, જ્યારે એક વિસર્જન કુંડ ખોડીયાર કોલોની સમર્પણ હોસ્પિટલ રોડ પર વિશાલ ઇન્ટરનેશનલ હોટલની પાછળના ભાગમાં તૈયાર કરાયો છે.

જેમાં ૭ દિવસ દરમિયાન  ખોડીયાર કોલોની નજીકના વિસર્જન કુંડમાં ૧,૦૪૨ જ્યારે બીજા કુંડમાં ૧,૧૭૦ સહિત કુલ ૨,૨૧૨ મૂર્તિઓને ભારે ભક્તિભાવ પૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી.

 કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.જ્યારે  જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા ના ડેપ્યુટી ઈજનેર રાજીવ જાની ની રાહબરી હેઠળ હિરેન સોલંકી  સહિત પાંચ સભ્યોની ટીમ સમગ્ર વ્યવસ્થા નિહાળી રહી છે, ત્યારે ફાયર શાખાના કુલ ૧૨ જવાનોની ટીમ રાઉન્ડ ધ ક્લોક ગણપતિ ની મૂર્તિ ના વિસર્જન કાર્યમાં જોડાઈ છે.

(9:26 AM IST)