<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

આજે સાંજે નરેન્દ્રભાઈ ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે

સરહદી વિસ્તારથી રાજ્યની રાજધાની સુધી પહોંચવા સસ્તી સારી ઝડપી સુવિધા, નાના શહેરોથી મેટ્રો સીટી સુધી ઈન્ટરસીટી કનેક્શન વધતાં દરેક ક્ષેત્રે લાભદાયી બનશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : આજે ફરી એક વખત કચ્છમાં રેલવેના એક નવા યુગનો આરંભ થવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ કરાવશે. હવે દેશના છેવાડાના સરહદી જિલ્લાથી રાજ્યની રાજધાની તરફ જવા માટેની ઝડપી સાથે ખૂબ જ વ્યાજબી ભાડા સાથેની શ્રેષ્ઠ સુવિધાનો આરંભ થશે.                       સામાન્ય વ્યક્તિને પણ પરવડી શકે એટલા વ્યાજબી ભાડે ફક્ત રૂ.૪૩૦ માં ભુજથી અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન પહોંચાડશે. રિઝર્વેશન નહીં હોય. ૧૧૫૦ પ્રવાસીઓ બેસીને ૨૦૦૦ પ્રવાસીઓ ઉભા ઉભા પ્રવાસ કરી શકશે. યૂપીએસ એપના માધ્યમથી ઓન લાઇન ટીકીટ કઢાવી શકાશે. અથવા ટીકીટ બારી ઉપરથી ટીકીટ કઢાવી શકાશે. ભુજ, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી વચ્ચે આ ટ્રેન દોડશે. આજે સાંજે ૪ વાગ્યે ભુજ રેલ્વે સ્ટેશને વર્ચ્યુઅલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ ટ્રેન સુવિધા ખુલ્લી મુકશે. જોકે, દરરોજ માટે આ ટ્રેન સેવા ભુજથી સાબરમતી વચ્ચે સોમથી શનિ દરમ્યાન રહેશે. 

           ભુજથી સવારે ૫ અને ૫ મીનીટે ઊપડી સાબરમતી ૧૦ અને ૫૦ મીનીટે પહોંચશે. વળતા આ ટ્રેન સાબરમતીથી ૫/૩૦ વાગ્યે ઊપડી રાત્રે ૧૧/૧૫ વાગ્યે ભુજ પહોંચશે. શનિવારે અમદાવાદથી નહીં ઊપડે. કોચ હાઇફાઇ સુવિધા સાથેના હશે. રેલવે સેફ્ટી કવચ સાથેની સુવિધા આ ટ્રેનમાં છે. અમદાવાદ શિક્ષણ, આરોગ્ય ઉપરાંત ધંધા વ્યવસાયનું હબ છે, એ સિવાય વિમાન પ્રવાસ તેમ જ અન્ય રાજ્યોથી વાયા અમદાવાદ થઈ આવતા મુસાફરો, પ્રવાસીઓ અને રાજધાની ગાંધીનગર આવજાવ માટે સુવિધા વધતાં તે અનેક ક્ષેત્રે લાભદાયી બનશે.

(9:32 AM IST)