News of Monday, 16th September 2024
જૂનાગઢમાં રેસ્ટોરન્ટના માલિકો બાખડયા : ધંધા ખારમાં એકે બીજાને ઢીકાપાટુનો માર માર્યો
બંનેની જાહેરમાં બઘડાટીથી વેપારી આલમમાં ચકચાર : ફરિયાદના પગલે તપાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૫ : જૂનાગઢમાં સક્કરબાગ સામે આવેલ પટેલ રેસ્ટોરન્ટના માલિકો જાહેરમાં બાખડી પડયા હતા. ધંધા ખારમાં એકે બીજાને ઢીકાપાટુનો માર મારતાં ચકચાર મચી ગઈ હતી.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના જોષીપરામાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા અને સક્કરબાગ સામે પટેલ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ હોટલ ધરાવતા ૫૧ વર્ષીય ભરતભાઈ ઓધવજીભાઈ લાખાણી શનિવારે બપોરે જીજે ૧૧ બીએલ ૯૩૦૬ નંબરના મોપેડ પર રેસ્ટોરન્ટ ખાતેથી ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં એસએલ પાર્કની બાજુમાં ડિલક્સ પાનની દુકાન સામે પહોંચતા ભરતભાઈના રેસ્ટોરન્ટ નીચે ધી ગ્રાન્ડ પટેલ રેસ્ટોરન્ટના માલિક વિનોદભાઈ જસમતભાઈ દેકીવાડીયા પાનની દુકાન સામે ઊભા હતા.
ત્યારે તેઓ ધંધા ખારથી કતરાઈને જોતા હોય તેથી ભરતભાઈએ સ્કૂટર ધીમે ચલાવી વિનોદભાઈને કેમ મારી સામે કતરાઈને જોવો છો કેમ કહેતા તેમણે ગાળો બોલીને સ્કૂટર સાથે ધકો મારી પછાડતા ભરતભાઈને જમણા પગના ગોઠણમાં ઇજા થઈ હતી અને બાદમાં ઢીકાપાટુનો માર મારીને માથા તથા ડાબી આંખ પાસે ઇજા પહોંચાડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈ બી ડિવિઝન પોલીસે ફરિયાદ લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
