News of Thursday, 19th September 2024
હિન્દી ફિલ્મોમાં બેન્જોનો સુર આપનાર મુનીરખાન ૭૦ વર્ષની ઉંમરે જર્જરીત મકાનમાં આર્થિક સંકડામણમાં વિતાવે છે જીવન
આર્થિક ઉપાર્જનના બદલે મે મારી સંગીત કલાને સાધના સમજીને કયારેય કોઇ કાર્યક્રમમાં કિંમત આંકી ન હતી

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા.૧૯: માણસના જીવનમાં કોઇપણ ક્ષેત્રના કલાકારોનું મનોરંજનના માધ્યમથી પ્રત્યક્ષ-અપ્રયત્યક્ષ આનંદદાયી યોગદાન રહેલું હોય છે. ઘણા કલાકારો એવા હોય છે કે જમેણે પોતાના અંગત જીવનમાં સુખદુઃખના ચઢાવ ઉતાર વચ્ચે પણ પોતાની આગવી કલાને જીવંત રાખવા ઝઝુમી રહયા હોય છે.
એક સમયે બેન્જો વાદ્ય પર રમતી આંગળીઓ થકી મધુર સુર રેલાવી સંતવાણી મશહુર લોકગાયકોના કાર્યક્રમોમાં તેમજ હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતોમાં બેન્જોવાદન દ્વારા પ્રસિધ્ધી મેળવનારા સંગીત કલાકાર બેન્જોવાદક મુનીરખાન આજે ૭૦ વર્ષની વયે પત્ની સાથે જુનાગઢ શહેરમાં સામાન્ય ખોલીમાં આર્થિક સંકડામણ વચ્ચે જીવન વ્યતિત કરી રહયા છે.
તાજેતરમાં નાના એવા એક સામાજીક કાર્યક્રમમાં મુલાકાત દરમ્યાન બેન્જોવાદક મુનીરખાને જણાવ્યું હતું કે, મારા શોખને કારણે ૨૦ વર્ષની યુવા વયે બેન્જોવાદ્યમાં પારંગત બની ગયા બાદ સંગીતના પ્રારંભકાળના લગાતાર ત્રણ દાયકા સુધી તત્કાલીન સંતવાણીના દિગ્ગજો ગાયકો સંતશ્રી નારાયણ સ્વામી, કાનદાસબાપુ, કરશનદાસ સાગઠીયા, નિરંજન પંડયા, પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ દવે, જાનીબાબુ કવ્વાલ જેવા નામી લોક ગાયકોના સ્ટેજ કાર્યક્રમોમાં બેન્જોવાદન કર્યું હતું. તદુપરાંત મહાન ગાયકો મહમદ રફી, લતા મંગેશકરના કંઠે ગવાયેલા રોટી કપડા ઓૈર મકાન, અમર અકબર એંથની ફિલ્મોના ગીતોમાં બેન્જોવાદક તરીકે સ્થાન મળ્યું હતું. ફિલ્મી ગીતોમાં મહેનાતાણા પેટે પાંચસો રૂપિયા મળેલા જે મારા જીવનની પ્રથમ મોટી રકમ હતી.
તત્કાલીન સમયે સંતવાણીના કાર્યક્રમોમાં બેન્જોવાદ્યને સ્થાન ન હતું. પરંતુ અનાયાસે એક કાર્યક્રમમાં તક મળ્યા બાદ બેન્જો વાદ્ય અવિભાજય અંગ બની ગયું. સંતવાણીમાં નવા વાદ્ય તરીકે બેન્જોના આગમનનું ગોૈરવ મને પ્રાપ્ત થયું હતું. સુર સંગીતના ચાહક તરીકે પુ.મોરારીદાસબાપુએ પણ એક વખત મારા ઘરે પધરામણી કરી ખબરઅંતર પુછી મારા જીવનને ધન્ય બનાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, તે સમયે નામાંકિત લોકગાયકોહું તેમના કાર્યક્રમમાં જવાની આળસ ન કરી જાઊં તેની તકેદારી માટે મારા ઘરે ખાસ ગાડી લઇને તેડવા આવતા હતા. આજે વર્ષમાં બે-પાંચ વખત મારા સંગીત સૂરના કોઇ ચાહકો કાર્યક્રમ માટે બોલાવે તો અચૂક પહોંચી જઇ મારી સંગીત સાધનાને જીવંત રાખી રહ્યો છું.
કોઇપણ કલાકાર માટે પોતાની કલા આર્થિક ઉપાર્જનનું મુખ્ય સાધન હોય છે પરંતુ મે મારી સંગીત કલાને સાધના સમજી કોઇ કાર્યક્રમમાં તેની કિંમત આંકવી નહી તેવા સિધ્ધાંત અને આદર્શને અપનાવી યજમાન જે કંઇ આપે તે સ્વીકારી લીધું હતું.
આજે મારી હરોળના બીજા કલાકારોની જેમ મારી પાસે જાહોજલાલી નથી પરંતુ ભૌતિક સુખને બદલે બેન્જોના મધુર સૂર થકી મને લોકોના マદયમાં મળેલુ સ્થાન અને મારો બહોળો ચાહકવર્ગ જ મારી સાચી મૂડી છે. સંતાનોમાં બે દીકરીઓ સાસરે છે બે દીકરા પરિણીત છે જે સ્વતંત્ર રહે છે. હાલ અમો વયોવૃધ્ધ દંપતી જૂનાગઢ શહેરમાં બિલખા રોડ પર આવે ધરાનગરમાં એક જર્જરિત મકાનમાં જીવન વ્યતિત કરી રહ્યા છીએ
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
