<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

અમરેલી જીલ્લાનાં પડતર પ્રશ્‍નો ઉકેલીને ન્‍યાય આપોઃ વિરજીભાઇ ઠુંમરની મુખ્‍યમંત્રીને રજુઆત

પીપાવાવ ગેસ આધારીત વિદ્યુત, રાજુલા-સુરત રો-રો સર્વિસ, સાંથલી સિંચાઇ, ટ્રાફીક, રસ્‍તા સહિતના પ્રશ્‍નો ઉકેલવા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૯: લાઠી- બાબરાના પૂર્વ ધારાસભ્‍ય અને અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને કાલે અમરેલીની મુલાકાત દરમ્‍યાન અમરેલી જીલ્લાના પડતર પ્રશ્‍નો હલ કરવા માંગ કરી છે.

વિરજીભાઈ ઠુંમરે વધુમાં જણાવ્‍યું છે કે, રાજુલા-જાફરાબાદ પીપાવાવ ની પવિત્ર ભુમિ, હું જ્‍યારે સાંસદ હતો ત્‍યારે પાર્લામેન્‍ટમાં બિનસરકારી સંકલ્‍પમાં ડ્રો થયો અને મને ચાન્‍સ મળ્‍યો, રૂલીંગ પાર્ટીનાં સાંસદ હોવાછતાં એ સમયનાં વડાપ્રધાન પાસે અને પેટ્રોલીયમ પ્રધાન પાસે ગેસનું એલોકેશન આપવું. રાજુલાથી સુરત રો-રો સર્વિસ ચાલુ કરવી. સાંથલી સિંચાઇ અમરેલી થી અમદાવાદ જતાં નેશનલ હાઇ-વે ની મંજુરી મળી ચુકી છે તે તાકીદે કાર્યરત થાય, ધોળા જંકશનમાં ખુબજ ટ્રાફીક થાય છે તે ધોળાનો રેલ્‍વે ઓવરબ્રીજ મંજુર થઈ ચુકયો છે હાલ પુરતી કામગીરી ઠપ છે તે ચાલુ કરવી જરૂરી છે.

આ ઉપરાંત સૌરાષ્‍ટ્રમાં રેલ્‍વેનો મોટામાં મોટો અન્‍યાય પામતો જિલ્લો અમરેલી જિલ્લો છે. હું જ્‍યારે સાંસદ હતો ત્‍યારે ઢસા જંકશન બ્રોડગેજ રૂપાંતર કરવા માટે બજેટમાં મુકાઇ જે ટ્રેક ચાલુ થઈ ચુકયો છે. બોટાદ થી ગાંધીધામ અગાઉના સમયમાં સોમનાથ મેલ બ્રોડગેજ સગવડતા મળતી, અમરેલી શહેરને ખીજડીયા સુધી બ્રોડગેજ રૂપાંતર નું કામ ચાલી રહ્યું છે. તો કચ્‍છને મળેલી મેટ્રો ટ્રેન સૌરાષ્‍ટ્રમાં હવેના ક્રમે અમરેલીને મળે તે માટેની અમરેલીનાં લોકોની લાગણીને સ્‍વીકારી આપવી. રાજય લેવલનાં રસ્‍તાઓનાં પ્રશ્નો અંગે નોનપ્‍લાન રસ્‍તાઓની કામગીરી ચાલુ કરવી વડી ડેમ સોૈની યોજના થકી ભરવો. રાની પશુઓ રોઝ, નિલગાય, ભુંડનો દિન-પ્રતિદિન ત્રાસ વધતો જાય છે. કોઇ યોજના વિચારી રાની પશુઓના  ત્રાસમાંતી મુકિત અપાવવી જરૂરી છે.

સરકારે ૪૦૦ કે.વી. માચીયાળામાં સબસ્‍ટેશન આપ્‍યું છે અને ત્‍યારબાદ ૨૨૦ કે.વી. નું સબસ્‍ટેશન બાબરા તાલુકાનાં ચરખા ખાતે સ્‍થપાયું છે. પશુપાલકોનો ભારે-મોટો વિવાદ હોવા છતાં સમાધાન કાઢી.વલણ અપનાવી આ પ્રશ્ન હલ કરાવી હાલ કાર્યરત થયેલ છે તેનો પણ વિજળીમાં અમરેલી જિલ્લાને ન્‍યાય મળતો થાય અને નાના-મોટી ટેકનીકલ કોઇ મુશ્‍કેલી હોય તેનો પણ નિરાકરણ કરી ખેડુતો, વેપારીઓ, ઉદ્યોગકારો વિજળીથી વંચિત ન રહે તે પ્રશ્નને અગ્રતા આપવા માંગ કરી  છે.

બસપોર્ટના ઉદ્ધાટન બાદ તાલુકા લેવલેના એસ.ટી. ડેપોનાં કામો બાકી હોય તેને પણ તાકીદે પૂર્ણ કરાવવા અમરેલી જિલ્લામાં નાના-મોટા ઉદ્યોગો સ્‍થપાઇ. અમરેલીમાં ચક્કરગઢ રોડ ઉપર સરકારી જમીન માંથી શિક્ષણનું એક સંકુલ સ્‍થપાયું છે તેનો લાભ જિલ્લાની અનેક દિકરીઓને મળી રહ્યો છે. શિક્ષણક્ષેત્રે પ્રાઇવેટાઇઝેશન વધી રહ્યું છે તેને બદલે સરકારી સારૂ શિક્ષણ મળે અને સમાજલક્ષી સંકુલ સ્‍થપાઇ રહ્યા છે.

વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્‍યું છે કે, પાલિકા અને શહેરી ટાઉન પ્‍લેસમાં નાના વેપારીઓ ન દંડાઇ અને પોતાના ધંધા-રોજગાર સારી રીતે ચલાવી શકે તે માટે નગરપાલિકાઓને ગ્રાન્‍ટરૂપી સહાય આપી રોજગારલક્ષી ધંધાઓ ઉભા કરવા માટે નગરપાલિકાને પણ ન્‍યાય મળે તેવી મારી માંગણી છે. ગામડાઓમાં ખેડુતોને કોમ્‍પ્‍યુટર સહાય V.C.E. દ્વારા સગવડતા મળી રહી છે પરંતુ પગાર અને કમીશન થી વંચિત રહેતા V.C.E, ને ન્‍યાય મળે અને ગામડાના સામાન્‍ય લોકોને જિલ્લા મથકે અને તાલુકા મથકે ધક્કા ઓછા થાય તે માટે V.C.E. ની પોષ્ટ મજબુત બનાવી તેઓ કાર્ય કરી શકે તે માટે પગારથી વંચિત રહ્યા છે તેવા V.C.E. ન્‍યાય આપવા રજુઆત કરી છે.

આરોગ્‍ય ક્ષેત્રે ખુબજ મુશ્‍કેલી પ્રવર્તિ રહી છે PHC CHC સિવિલના હોસ્‍પિટલમાં ડોકટરોની ખાલી જગ્‍યાં પુરાઇ તે જરૂરી છે. ડ્રગ્‍સ, દારૂ, રેતી ખનનની પ્રવળતિ દિન-પ્રતિદિન વધતી જાય છે. તત્‍કાલીન કડક અધિકારી હતા તેવા પોલીસમાં કડક અને ન્‍યાયીક કામગીરી કરી શકે, તેવા અધિકારી મુકવા માંગ છે.

ટુકમાં અમરેલી જિલ્લાએ રાજ્‍યને પ્રથમ મુખ્‍યમંત્રી આપ્‍યા છે સંતો મહંતોની ભુમિનો જિલ્લો કાઠીયાવાડ કોઇ દિ' ભુલો પડ ભગવાન એ નાના રજવાડાનાં જિલ્લા એવો અમરેલી જિલ્લો, આ જિલ્લાને શિસ્‍તના નામે કે અન્‍ય કોઇ કારણોસર અમે રાજકીય પદાધિકારીઓ ઇચ્‍છા હોવા છતાં જિલ્લાની પ્રજાની ઇચ્‍છા પરીપુર્ણ કરી શકયા ન હોય તે તમામ બાબતોને ધ્‍યાને લઈ રાજ્‍યનો મહત્‍વનો જિલ્લો અને તે માટે કોઇ મહત્‍વની યોજનાઓ જિલ્લાને આપશો તેવી માંગણી વિરજીભાઇ ઠુંમરે અંતમાં કરી છે.

(2:19 PM IST)