<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

મોરબી-વાંકાનેર વચ્‍ચે દોડતી ડેમુ ટ્રેન ખોટકાતા અને મુસાફરો રઝળ્‍યા

રફાળેશ્વર અને મકનસર વચ્‍ચે ડેમુ બંધ થઇ જતા વાંકાનેરથી અન્‍ય ટ્રેનમાં જવા નીકળેલા મુસાફરો થયા હેરાન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૯: આજે વહેલી સવારે મોરબીથી છ વાગ્‍યે ઉપડેલી મોરબી - વાંકાનેર ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્‍ચે બંધ પડી જતા અંદાજે ૩૦૦ થી ૪૦૦ જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્‍ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરી રહ્યા હોય ડેમુ ખોટવાતા તમામ મુસાફરો રઝળી પડ્‍યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર વચ્‍ચે દોડતી ડેમુ ટ્રેનમાં કાયમી કોઈને કોઈ ધાંધિયા હોય છે ત્‍યારે ગુરુવારે વહેલી સવારે ૬ વાગ્‍યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્‍ચે ખટકાઈ જતા વાંકાનેર રેલવે સ્‍ટેશનથી ઇન્‍ટરસિટી તેમજ અન્‍ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા ૩૦૦ થી ૪૦૦ જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.

બીજી તરફ માંડ કરીને વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્‍યાપી ગયો હતો. મુસાફરોની હેરાનગતિ મામલે વાંકાનેર સ્‍ટેશન પ્રબંધકે પણ ઉડાઉ જવાબ આપતા આ મામલે ઉચ્‍ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી.

(2:35 PM IST)