News of Friday, 20th September 2024
ગોંડલમાં કચરાનાં ગંજ વચ્ચે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘની પાલિકા તથા સફાઈ કોન્ટ્રાક્ટર સામે કાનુની પગલાં લેવા માંગ
સફાઈ કામદારો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની હુસાતુસીમાં પ્રજા પરેશાન : ગોધરાનાં મજુરો દાદ આપતા નથી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૦: ગોંડલમાં છેલ્લા પંદર દિવસથી સફાઈ કામદારો સફાઈ કામગીરીથી અળગા છે. સફાઈ કામદારોનું કહેવુ છે કે અમોને નોકરી પરથી છુટ્ટા કરી દેવાયા છે. તો નગરપાલિકા તંત્રનું કહેવુ છે કે કામદારોને છુટ્ટા નથી કરાયા. તે સ્વૈચ્છાએ ફરજ પર આવતા નથી. તંત્ર અને સફાઈ કામદારો વચ્ચેની રસ્સાખેંચમાં ઠેરઠેર ગંદકી ફેલાઈ હોય પ્રજાનો ખો બોલી રહ્યો છે. સફાઈ કામદારોની માંગ સામે નમતુ નહી આપી નગરપાલિકા તંત્ર દ્વારા ગોધરા સહિતથી મજુરો બોલાવી સફાઈ કાર્ય શરૂ કરાયું છે. પણ પુરતા પ્રમાણમાં મજુરોનાં હોય તંત્રની ‘એક સાંધો ને તેર તુટે' તેવી હાલત થવા પામી છે. બહારથી બોલાવાયેલા મજુરો કામ કરવામાં અખાડા કરતા હોય સફાઈ અંગેનો લોકોનો રોષ યથાવત રહ્યો છે.
બીજી તરફ ગોંડલ નાં મુદ્દે અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ દ્વારા શ્રમ અધિકારીને રજુઆત કરી ગોંડલ નગરપાલિકા તથા કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ ૧૯૩૬ ની કલમ-૫ નો ભંગ કરવા અંગે કલમ ૨૦(૬) હેઠળ કાર્યવાહી કરવા જણાવાયું છે.
અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગરે રજુઆતનાં જણાવ્યુ કે નગરપાલિકાનાં સફાઈ કોન્ટ્રાક્ટર શ્રીજી એજન્સી દ્વારા ૨૪૦ સફાઈ કામદારોને છુટા કરી દેવાયા છે. લઘુતમ વેતન કરતા ઓછુ વેતન અપાઇ રહ્યુ છે. ઓગસ્ટ મહીનાનું વેતન ચુકવાયુ નથી. કોન્ટ્રાક્ટર ને રજુઆત કરતા તેણે એવુ કહ્યુ કે અમારી સામેની ફરિયાદ પાછી ખેંચો પછી વેતનની વાત કરો.બીજી બાજુ નગરપાલિકાનાં ચીફ ઓફિસર એ.જે.વ્યાસે એવુ કહ્યુ કે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટર ને વેતન ચુકવી દીધુ છે.તેમ છતા હજુ સુધી સફાઈ કામદારોને વેતન ચુકવાયુ નથી.વધુ માં સફાઈ કામદારોની વિવિધ માંગણીઓ ને ધ્યાને લેવાને બદલે છુટા કરી દેવાયા છે. અને નવી ભરતી અંગે જાહેરાત કરાઇ છે.આમજુના કર્મચારીઓનુ શોષણ કરાઇ રહ્યુ હોય કાનુની રાહે પગલા લેવા જણાવ્યું છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
