તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
મહાન ભક્ત મીરાબાઈની ૫૨૫મી વર્ષગાંઠ નિમિત્તે દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપન એર થિયેટર ખાતે ત્રી દિવસીય ભવ્ય મીરા મહોત્સવ ૨૦૨૪નો શુભારંભ : મીરાબાઈના જીવન પર વિખ્યાત સંગીતકાર-ગાયક અનુપ જલોટા તથા લોક ગાયિકા લલિતા ઘોડાદ્રાએ લહેરાવી ભજનોની સરવાણી : શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કરાયેલ મીરા નૃત્ય નાટિકા નિહાળી નાગરિકો થયા મીરા ભક્તિમાં મંત્રમુગ્ધ
ધારાસભ્ય પબુભા માણેક , કલેકટર જી.ટી.પંડ્યા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ : ત્રી-દિવસીય સુધી યોજાનાર કાર્યક્રમમાં આજે અનુપમા હોસ્કેરે દ્વારા ગિરધર નાગર કી મીરા પર પપેટ, અજય પોહાન્કર દ્વારા ભજન તથા શ્રી મમતા અહર દ્વારા મીરા પર હિન્દી નાટક પ્રસ્તુત કરવામાં આવશે. જ્યારે કાલે સવારે ૧૦ વાગ્યે મધુરાની શુક્લ, નિરંજન રાજ્યગુરુ તથા કલ્યાણસિંહ શેખાવત દ્વારા શ્રી શારદાપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓડીટોરિયમ, દ્વારકા ખાતે સંત મીરાબાઈના સંગીત અને સાહિત્ય પર સેમિનાર : સાંજે શ્રી સિક્કિલ ગુરુચરણ, હેમંત ચૌહાણ દ્વારા ભજનો તથા કથક કેન્દ્ર નવી દિલ્હી દ્વારા સાંવરે કે રંગ રાચી નૃત્ય નાટિકા

(માહિતી બ્યુરો- દેવભૂમિ દ્વારકા)તા.૨૨
મહાન ભક્ત મીરાબાઈની ૫૨૫મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમી દિલ્હી, રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સહયોગથી દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપન એર થિયેટર ખાતે આજરોજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રણ દિવસીય "મીરા મહોત્સવ"નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મીરા મહોત્સવ ૨૦૨૪ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોને સંબોધતા ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ઉન્નતિના શિખરો સર કરી રહ્યો છે. આજની યુવા પેઢી આઝાદી ચળવળો માટે સર્વસ્વ અર્પણ કરનાર મહાન સપૂતો તેમજ દેશની સાંસ્કૃતિક વિરાસતથી માહિતગાર થાય તે માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજરોજ મીરાબાઈના જીવન કવન વિશે લોકો માહિતગાર થાય તે માટે મીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ પર વસવાટ કરતા નાગરિકો તથા પ્રવાસીઓ ભક્ત કવિયત્રી મીરાબાઈની જીવન વિશે માહિતગાર થાય તેમજ તેમના દ્વારા રચાયેલ ભજનો, પદો થકી કૃષ્ણ ભક્તિનો મહિમા ઉજાગર કરવાના ઉમદા આશયથી કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમી અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ભવ્ય ત્રી દિવસીય મીરા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ નાગરિકો સહભાગી થાય તેવો મારો અનુરોધ છે.
કાર્યક્રમમાં શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર દ્વારા મીરા નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારબાદ લોક ગાયિકા લલિતા ઘોડાદ્રા તેમજ વિખ્યાત સંગીતકાર-ગાયક શ્રી અનુપ જલોટા દ્વારા મીરાબાઈ જીવન આધારિત ભજનોની સરવાણી ઉપસ્થિત સમક્ષ પ્રસ્તુત કરી હતી.
કાર્યક્રમમાં મહાનુભવોનું શાબ્દિક સ્વાગત સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના સેક્રેટરી રાજુ દાસ તથા આભારવિધિ દ્વારકા પ્રાંત અધિકારી એ.એસ.અવતે દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા, ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી ઇન્દ્રજિતસિંહ ભાલા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, અગ્રણી વિજય બુજડ સહિત ઉપસ્થિત નાગરિકો અદભુત કાર્યક્રમ નિહાળી ભક્તિરસમાં તરબોળ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ આયોજિત મીરા મહોત્સવમાં તા.૨૨ સપ્ટેમ્બરના રોજ અનુપમા હોસ્કેરે દ્વારા ગિરધર નાગર કી મીરા પર પપેટ, અજય પોહાન્કર દ્વારા ભજન તથા શ્રી મમતા અહર દ્વારા મીરા પર હિન્દી નાટક પ્રસ્તુત કરવામાં આવશે. જ્યારે તા.૨૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે મધુરાની શુક્લ, નિરંજન રાજ્યગુરુ તથા કલ્યાણસિંહ શેખાવત દ્વારા શ્રી શારદાપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓડીટોરિયમ, દ્વારકા ખાતે સંત મીરાબાઈના સંગીત અને સાહિત્ય પર સેમિનાર યોજાશે. તેમજ સાંજે શ્રી સિક્કિલ ગુરુચરણ, હેમંત ચૌહાણ દ્વારા ભજનો તથા કથક કેન્દ્ર નવી દિલ્હી દ્વારા સાંવરે કે રંગ રાચી નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવશે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
