News of Tuesday, 24th September 2024
મોરબી લાતી પ્લોટના પ્રશ્નો અંગે કોંગ્રેસ અને વેપારીઓએ ઢોલ વગાડી આવેદનપત્રોની પોથીયાત્રા કાઢી
વર્ષો જુની ૫૦૦ જેટલી ફરિયાદોની પોથી ચીફ ઓફિસરને આપવામાં આવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૪: મોરબી શહેરમાં આવેલા લાતી પ્લોટમાં છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણી ભરાવા, ગંદકી અને કાદવ-કીચડ સહિતના અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. મોરબીના લાતી પ્લોટની સ્થિતિ નર્કાગાર જેવી થઈ ગઈ છે. આ સમસ્યાઓ અંગે વેપારીઓએ અનેક વખત નગરપાલિકાને રજૂઆતો અને અરજીઓ કરી છે તેમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે આજે લાતી પ્લોટ વિસ્તારના પ્રાણ પ્રશ્નોને લઈને સ્થાનિક વેપારીઓએ કોંગ્રેસને સાથે રાખીને ઢોલ નગારા સાથે આવેદનપત્રોની પોથી લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ પોથી પર લખવામાં આવ્યું હતું કે, લાતી પ્લોટના પ્રાણ પ્રશ્નો આવેદનપત્રની પોથી..
આ પોથી યાત્રા સમગ્ર લાતી પ્લોટ વિસ્તારમાં ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ ઢોલ નગારા વગાડીને નગરપાલિકા કચેરીએ પહોંચીને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અનોખા વિરોધમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના નેતાઓ અને વેપારીઓ જોડાયા હતા અને સૌએ માથા પર આવેદનપત્રની પોથી ઉપાડી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.
પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી અપડેટ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં લાતી પ્લોટની વિવિધ સમસ્યાઓની અંદાજે ૫૦૦ જેટલી ફરિયાદો કરવામાં આવી છે છતાં આ બહેરું-મુંગુ તંત્ર જાગ્યું નથી. તેથી મોરબી નગરપાલિકા તંત્રને જગાડવા માટે તમામ રજૂઆતો અને પ્રશ્નોની પોથી બનાવીને ચીફ ઓફિસર પાસે પોથી પધરાવવા જઈ રહ્યા છીએ. માત્ર સફાઈ અભિયાનના નામે નાટક કરતી ભાજપની સરકાર અને તંત્ર જાગે અને લાતી પ્લોટના વેપારીઓની સમસ્યા હલ કરે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
