<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

પત્‍નિ સાથે ઝઘડો કરી રૂમનો દરવાજો બંધ કરી અબ્‍દુલની ચોથા માળેથી મોતની છલાંગ

મોરબીના લીલાપર રોડનો બનાવઃ મુળ આસામના યુવાને રાજકોટમાં દમ તોડયોઃ પોતે કામધંધો કરતો નહિ, પત્‍નિ બ્‍યુટી પાર્લર ચલાવતીઃ નશાની આદત હોઇ માથાકુટ થતાં પગલુ ભરી લીધું

રાજકોટ તા. ૨૪: મોરબીમાં રહેતાં પરપ્રાંતિય યુવાને સાંજે પત્‍નિ સાથે ઝઘડો કર્યા બાદ ચોથા માળે રૂમ બંધ કરી પાછલા દરવાજેથી કૂદી જઇ આપઘાત કરી લેતાં  અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ મોરબીમાંલીલાપર રોડ પર ઓમકાર રેસીડેન્‍સીમાં ચોથા માળે રહેતાં અબ્‍દુલ રાહીદ (ઉ.વ.૨૬) નામનો યુવાન સાંજે ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ મોરબી પોલીસને જાણ કરી હતી.આપઘાત કરનાર અબ્‍દુલના સગાએ જણાવ્‍યું હતું કે અબ્‍દુલ મુળ આસામ ત્રિપુરાનો વતની હતો. તે પત્‍નિ સોનીયા સાથે અગાઉ અમદાવાદ રહેતો હતો. કેટલાક મહિનાથી મોરબી રહેવા આવ્‍યો હતો. તેને નશો કરવાની આદત હોઇ કામધંધો કરતો નહોતો. તેની પત્‍નિ બ્‍યુટી પાર્લરનું કામ કરી ગુજરાન ચલાવે છે. સાંજે અબ્‍દુલે નશો કર્યો હતો અને એ કારણે પતિ-પત્‍નિ વચ્‍ચે માથાકુટ થઇ હતી. એ પછી તે રૂમ બંધ કરી અંદર જતો રહ્યો હતો અને પાછલા દરવાજેથી કૂદી ગયો હતો. મોરબી એ-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:14 AM IST)