<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

જૂનાગઢના શખ્‍સે અજાબના વેપારીને બેંક લોનની લાલચ આપી ૨.૨૫ લાખનો ચૂનો લગાવ્‍યો

વેપારીએ ૧૩ કોરા ચેક પણ આપ્‍યા હતા : ૧ ચેકનો દુરૂપયોગ કર્યાની કેશોદ પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૪ : જૂનાગઢના શખ્‍સે અજાબનાંᅠ વેપારીને બેંક લોનની લાલચ આપી ૨.૨૫ લાખનો ચૂનો લગાવી અને વેપારીએ આપેલા ૧૩ કોરા ચેકમાંથી એક ચેકનો દુરુપયોગ કર્યાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ તાલુકાના અજાબ ગામનાં વેપારી પ્રકાશભાઈ પોપટભાઈ ટીલવાએ જૂનાગઢના હિતેશ દીપક મેવાડા સામે બેંકમાં લોન કરાવી આપવાની લાલચ આપી રૂપિયા ૨.૨૫ લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ᅠ

વેપારીએ તેની ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૧૨-૧૩માં જૂનાગઢમાં મોતીબાગ પાસે આવેલી એક્‍સિસ બેન્‍કમાંથી સીસી લોન લીધી હતી. ત્‍યારબાદ તા. ૩ જૂન ૨૦૨૦ના રોજ બાઈક અકસ્‍માત થતા મગજમાં ઈજા થઈ હતી જેની સારવારમાં ઘણો ખર્ચો થવાથી આર્થિક પરિસ્‍થિતિ ખરાબ થઈ ગઈ હતી. જેથી લોનના હપ્તા ભરાઈ તેવી સ્‍થિતી ન હતી.

 આથી મિત્ર રીંકલ લાડાણીને વાત કરતા તેમણે તેમના મિત્ર હિતેશ દિપક મેવાડા આધાર હાઉસિંગ ફાઇનાન્‍સ કંપની લિમિટેડમાં નોકરી કરતા હોવાનું જણાવી અને સીસી લોનની બેંક ટ્રાન્‍સફર કરાવી નવી લોન આધાર હોમ ફાઇનાન્‍સમાં કરી આપશે તેમ જણાવ્‍યું હતું. આ પછી હિતેશ મેવાડાએ ૨૫ જાન્‍યુઆરી ૨૦૨૪ના રોજ ફોન કરી તમારી આધાર ફાઇનાન્‍સ કંપની લિમિટેડમાં લોન થઈ જશે તેવો વિશ્વાસ અપાવીને રૂપિયા ૨.૨૫ લાખ અને ૧૩ કોરા ચેક મેળવી લીધા હતા. આમ છતાં પણ બેંકમાં લોન કરાવી આપી ન હતી

વેપારીએ ફરિયાદમાં ૧૩ કોરા ચેક પૈકી ૧ ચેક હિતેશ મેવાડાએ વિસાવદર તાલુકાના લીમધ્રા ગીર ગામના જેન્‍તીભાઈ વીરાભાઇ પરમારને આપી દુરૂપયોગ કર્યો હોવાનું જણાવ્‍યું હતું.

આ અંગે વેપારીએ ફરિયાદ કરતા કેશોદ પોલીસે આરોપી વિરૂદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

(11:44 AM IST)