News of Wednesday, 25th September 2024
ધોરાજીના મોટીવાવડી ગામમાં નાફેડ કંપનીમાં ૨૭ ટનથી વધુ અનાજનો જથ્થો શંકાસ્પદ મળ્યો..?
મામલતદારે ચોરીની બાતમીને આધારે રેડ પાડતા ૩૦૦ બોરી ચણા, તુવેર દાળ, રાયડો, ઘઉં વગેરે સરકારી લેબલ વાળા બારદાનમાં ભરેલ મળ્યા

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી,તા. ૨૫: ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામ ખાતે ભાડે રાખેલા મકાનમાં ગોડાઉન જેવું બનાવીને ૩૦૦ થી વધારે બોરી જેમાં ચણા તુવેર દાળ રાયડો ઘઉં વગેરે ૨૭ ટનથી વધારે માલ અને એ પણ સરકારી લેબલ વાળા બારદાનમાં ભરેલા હોય જે અંગે ધોરાજી મામલતદારને ચોરીનો માલ ભરી રાખ્યો હોય તેવી ચોક્કસ બાતમી ને આધારે આજે મંગળવારે સવારે તપાસ કરવા મામલતદાર રૂબરૂ ગયા હતા અને શંકાસ્પદ માલ જણાતા તાત્કાલિક નાફેડ કંપનીને જાણ કરી છે.
આ બાબતે ધોરાજી મામલતદાર નો સંપર્ક સાંધતા મામલતદાર જોશીએ જણાવેલ કે અમોને ખાનગી બાતમીને આધારે જાણવા મળેલ કે ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામ ખાતે ચોરી કરેલો કંપનીનો સરકારી કંપનીનો માલ જેમાં ચણા તુવેર દાળ રાયડો ઘઉં વિગેરે ૩૦૦ ઉપર બોરી હોય જે અંગે બાતમી મળતા અમોએ તપાસ કરવા માટે મોટી વાવડી ગામ ખાતે આજે સવારે ગયા હતા અને શંકાસ્પદ જથ્થો જોવા મળેલો હતો અને સરકારી લેબલો પણ બોરીમાં લગાવેલા હતા જે બોરીમાં લેબલ જોતા નાફેડ કંપનીના હોય તેવું જાણવા મળેલું હતું જેથી આ જથ્થો કયાંથી આવ્યો? કોની પાસેથી ખરીદી લીધો છે અથવા તો ચોરી કરેલી છે તે બાબતની તપાસ એલોકો પાસે કરતા તેઓએ ખરીદ કરેલો હોય તેવું જણાવેલું હતું પરંતુ વાસ્તવિક કંઈક જુદો દેખાતા અને શંકા જતા ઉપરોક્ત બાબતે અમોએ નાફેડ કંપનીને જાણ કરી છે અને નાફેડ કંપનીના કર્મચારીઓ ગઇકાલે સાંજે ૫ વાગે મોટી વાવડી ગામ ખાતે ચેકિંગમાં ગયા હતા અને તેઓએ શું કર્યું છે તે અમને જાણવા મળેલ નથી તેવું મામલતદારે જણાવેલું છે
બાબત એવી છે કે સવારના બનેલો આ બનાવ અને ધોરાજી તાલુકાનું મોટી વાવડી ગામ એટલે ખોબા જેવડા ગામની અંદર ૩૦૦ થી વધારે બોરી સાથે અનાજનો નાફેડ કંપનીનો જથ્થો કેવી રીતે રાખવામાં આવ્યો શા માટે રાખવામાં આવ્યો અને કોની મંજૂરીથી રાખવામાં આવ્યો અથવા તો એક ટ્રેડિંગ કંપનીનો ત્યાં કાયદેસર નો ધંધો કરે છે કે નહીં તે બાબતની અનેક શંકાઓ પ્રગટાવે તેવી વાત આવી છે હાલમાં સવારના બનાવ બન્યો છે અને રાત્રી ના ૮:૩૦ વાગ્યા છતાં પણ હજી સુધી આ માલ ચોરીનો છે કે વેપારીનો છે કે નાફેડ કંપનીમાંથી કઈ પ્રકારે અહીં આવ્યો તેની સ્પષ્ટતા કયાંય થી થઇ નથી.
ખાનગી વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ઉપરોક્ત જથ્થો સગે વગે કરવા બાબતે અને કાયદેસરનો કરવા બાબતે રાજકીય પ્રેશર મોટા પાયે લગાવવામાં આવ્યું છે અને એ રાજકીય પ્રેશરને કારણે કદાચ સવારે ભીનો સંકેલુ થઈ જાય તેવી પણ ચર્ચા જોરદાર વ્યાપી ગઈ છે
મામલતદાર તપાસ કર્યા બાદ અચાનક ૨ પોલીસ કોન્સ્ટેબલ તાત્કાલિક સ્થળ ઉપર રાખી દેવામાં આવ્યા છે તે પણ શંકા પ્રગટાવી રહી છે કાયદેસર માલ હોય તો પોલીસની વ્યવસ્થા શા માટે કરવામાં આવી તે પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.....?
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
