News of Friday, 27th September 2024
ભાવનગરના કોળિયાક ખાતે ફસાયેલા તામિલનાડુના તમામ ૨૯ મુસાફરોનો આબાદ બચાવ
મુસાફરોને રાત્રે ચાર વાગે પટેલ બોર્ડિંગમાં લઇ જવાયાઃ સફળતાપૂર્વક રેસ્કયુઃ લકઝરી બસ હજુ પાણીમાં

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬: ભાવનગર નજીકના કોળિયાક ખાતે પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા મુસાફરો લઈ આવેલી લક્ઝરી બસ કોળિયાક ગામ નજીક નાળામાં ગઈકાલે સાંજે છ વાગે ખાબકી હતી. ૨૯ મુસાફરો ભરેલી તામિલનાડુની લક્ઝરી બસ નાળા માં ખાબકતાની સાથે જ એકાએક પાણીનો પ્રવાહ આવી જતા બસ પાણીમાં ફસાઈ છે.
બસમાં રહેલા આશરે ૨૯ મુસાફરોને બચાવવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા બસ માં રહેલા લોકોની રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. પાણીનો પ્રવાહ વધુ હોય બચાવ કામગીરી પડકારજનક હતી. સતત આઠ કલાકની જહેમત બાદ બસમાંથી મુસાફરોને કાઢી ટ્રકમાં બેસાડીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રિના ત્રણ વાગ્યે તમામ ૨૯ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે વહીવટી તંત્ર અને લોકોમાં હાશકારા ની લાગણી અનુભવાય હતી. એન ડી આર એફ ની ટીમ પણ મોડેથી આવી હતી.
કલેક્ટર ,જિલ્લા પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશનર,નાયબ પોલીસ વડા, એલસીબી પોલીસ, ઘોઘા પોલીસ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને આગેવાનો કાર્યકરો કોળીયાક દોડી ગયા હતા.
મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર અને ધારાસભ્યના સંપર્કમાં રહ્યા
ભાવનગર તા.૨૭: કોળીયાકમાં પાણીના વહેણમાં ફસાયાના સમાચાર મળતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પાસેથી તમામ હકીકતો મેળવી હતી તેમને રેસ્કયુ થાય પછી તમામ મુસાફરોને ભાવનગર પટેલ ર્બોડિંગમાં ઉતારો અપાશે અને ત્યાંથી તામિલનાડુ તેમના વતન સુધી પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકાર વહન કરશે તેમ જણાવ્યું હતું.
કોળિયાક ખાતે રાત્રે ૧ કલાકે NDRF ની ટીમ આવી પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતીનો તાગ લીધો.બીજી બાજુ NDRFના જવાનોએ તેમના વાહનોમાંથી દોરડા, સીડી વગેરે સાધનો ઉતારવાનું શરૂ કર્યું.ટીમ દ્વારા તંત્ર પાસે વજન ઉંચકી શકે તેવા ડ્રોન કેમેરાની માંગણી કરવામાં આવી જેથી ડ્રોન કેમેરા દ્વારા દોરડાનો એકભાગ મોકલી બીજો ભાગ આ કિનારે આવે તો જવાનો ત્યાં સુધી પહોંચી શકે.
પાણીનો પ્રવાહ અને વેગ રાત્રે ઓછો થતો હતો છતા ત્યાં સુધી પહોંચી શકાય તેમ ન હતું. એનડીઆરએફની ટીમે રાત્રીના ત્રણ વાગ્યા સુધી બચાવ કામગીરી કરી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢયા હતા.

બસના તમામ મુસાફરોને પટેલ બોર્ડીંગમાં લવાયા
ભાવનગરઃ કોળીયાક પાસે લક્ઝરી બસ પાણીમાં ફસાતા આઠ કલાકની ભારે જહેમત બાદ મુસાફરોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. રાત્રિના ત્રણ વાગ્યે તમામ મુસાફરોને પાણીમાંથી બહાર કાઢયા બાદ અન્ય બસ મારફત ભાવનગરની પટેલ હોસ્ટેલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. ભાવનગરના કલેક્ટર અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ તામિલનાડુના આ મુસાફરો સાથે વાતચીત કરી સંકલન કર્યું હતું. તમામ મુસાફરોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
