<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

મુંબઈથી માતાના મઢ સાઇકલ ઉપર દર્શને આવતા યુવાનનું વાપી પાસે હાર્ટ એટેકથી મોત: પરિવારમાં હાહાકાર

થાણા(મુંબઈ)થી ત્રણ મિત્રો સાથે નિકળેલા ૩૪ વર્ષીય માઈ ભક્ત ધર્મેશ મોતા વાપી પાસે ઢળી પડ્યા, પરિવારમાં પત્ની અને એક પુત્ર

(વિનોદ ગાલા દ્વારા ભુજ) મુંબઈના થાણાથી સાઇકલ ઉપર કચ્છના માતાના મઢ મધ્યે મા આશાપુરાના દર્શને નિકળેલા ૩૪ વર્ષીય માઈ ભક્ત યુવાનનું વાપી પાસે હાર્ટ એટેકથી એકાએક મોત નિપજતા કચ્છી સમાજમાં શોકની લાગણી ફરી વળી છે. 

૨૬ સપ્ટેમ્બરના મુંબઈ થાણાથી ચાર મિત્રો સાથે ૩૪ વર્ષીય યુવાન ધર્મેશ રમેશભાઈ મોતા (રાજગોર) સાઇકલ ઉપર માતાના મઢ જવા નીકળ્યા હતા. ગઈકાલે વાપી નજીક તેમને થાક લાગ્યો અને મૂંઝારો થયો હતો અને એકાએક ઢળી પડ્યા હતા. 

તેમની સાથે રહેલા અન્ય  ત્રણ મિત્રોએ વાપી મધ્યે ભાનુશાળી સમાજના પદયાત્રી સેવાકેમ્પમાં જાણ કરી હતી. તુરત જ સૌ મદદે પહોંચ્યા અને વાપી હોસ્પટલ મધ્યે લઇ ગયા હતા. પરંતુ તેમને સારવાર નસીબ થાય એ પહેલાંજ એમનું મોત નીપજ્યું હતું. 

 

મૃતક ધર્મેશભાઈ મૂળ કચ્છના માંડવી તા.ના મસ્કા ગામના વતની હતા અને મુંબઈ થાણામાં રેડીમેડ કપડાની દુકાન હતી. પહેલા મુંબઈ કાંદિવલી અને હાલે થાણા રહેતા ધર્મેશભાઈ પરિવારમાં પત્ની અને પુત્રને વિલાપ કરતા છોડી ગયા છે.

(10:26 AM IST)