તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
વિરનગર આંખની હોસ્પિટલમાં ૧૦ દર્દીઓને રીએકશન આવતા સારવારમાં
૩ થી ૪ દર્દીઓ ભય મુકત : અન્ય દર્દીઓને અમદાવાદ સારવાર માટે ખસેડાયા અત્યાર સુધીમાં ૯ લાખ ઓપરેશન થયા છે કોઇ ફરીયાદ આવી નથી : જે દર્દીઓને અસર થઇ છે તેમને જલ્દી સારૂ થાય તે માટે અમે પ્રયત્નશીલ : અમદાવાદ અને રાજકોટની ટીમે ઓપરેશન રૂમ સીલ કર્યા છે. વિરનગર હોસ્પિટલના ટ્રસ્ટી અશોકભાઇ મહેતા

રાજકોટ તા.૨૮: રાજકોટ જિલ્લાના વિરનગર ખાતે આવેલી આંખની હોસ્પિટલમાં દર્દીઓના મોતિયાના ઓપરેશન કર્યા બાદ અંદાજે ત્રીસેક દર્દીઓને કોઇ કારણોસર આંખમાં અસર થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમા આંખની હોસ્પિટલમાં તથા અમદાવાદ સહિતની અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે. ગઈકાલે ૧૦થી વધુ દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાંથી તમામ ભયમુક્ત થઈ જતાં તેમને રજા આપી દીધી હોવાનું આંખની હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું છે. તેમ સોશ્યલ મીડીયાના માધ્યમથી જાણવા મળ્યું છે.
આ અંગે રાજકોટ જિલ્લાના આરોગ્ય તંત્ર સુધી હજુ સુધી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ વિરનગરની આંખની હોસ્પિટલમાં વિનામુલ્યે દર્દીઓ ખાસ કરીને ગરીબ દર્દીઓના આંખના ઓપરેશન થાય છે અને આ હોસ્પિટલની ખૂબ જ નામના છે. રીએકશનના ભાગરૂપે અસર થઇ હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. દરમિયાનમાં વિરનગરની હોસ્પિટલ વર્ષોથી દરીદ્રનારાયણની આંખોની સારવાર કરે છે. ડો. શિવાનંદ અધવર્યુએ આ હોસ્પિટલને ખૂબ જ જહેમતથી ખડી કરી હતી. આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં લાખો આંખના દર્દીઓના ઓપરેશન થઇ ગયા છે અને અત્યાર સુધીમાં આ હોસ્પિટલ તરફથી કોઇપણ પ્રકારની ફરિયાદ આવી નથી. સૌરાષ્ટ્રમાં અંધાપા નિવારણમાં આ હોસ્પિટલનું ખૂબ જ મોટુ પ્રદાન છે. રાષ્ટ્રીય કક્ષાએ આ હોસ્પિટલનું નામ છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે-ગામડે દર્દીઓને લાવી ખૂબ જ જટીલ કહેવાય તેવી સર્જરીઓ કરવામાં આવે છે. પરંતુ કદી જ ફરિયાદ ઉઠી નથી.
રાજકોટ સિવિલમાં નવ દર્દીઓ આવ્યા હતા તેમને ડિસ્ચાર્જ કરાયા છેઃ ડો.કિયાડા
વિરનગર હોસ્પિટલ ખાતે ગયા સોમવારે મોતિયાના ઓપરેશન બાદ બુધ, ગુરુ અને શુક્રવાર સુધી ત્યાં સારવાર આપ્યા પરંતુ ઇન્ફેક્શન વધુ હોવાથી અત્રેની હોસ્પીટલ ખાતે ૯ દર્દી ને શનિવારે સવારે દાખલ કરવામા આવેલ હતા. આંખમાં વધું ઇન્ફેક્શન હોવાથી અને ૭ દર્દીને વધું તકલીફ હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ હતા. જેમાં ૨ દર્દીને સારુ હતુ. પરંતું તે બે દર્દી પણ અમદાવાદ જવા માંગતા હતા. પરંતુ ત્યારે વિરનગર હોસ્પિટલનાં લોકો પણ સાથે આવેલા ત્યારબાદ તે લોકો દર્દીઓને અમદાવાદ સિવિલ માં લઇ ગયા કે કોઇ બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા તેમની માહિતી નથી. અત્રેની હોસ્પિટલ દ્વારા નિયમ મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરી શકાય.
અત્યાર સુધીમાં ૯ લાખ ઓપરેશન થયા છે કોઇ ફરીયાદ આવી નથી. જે દર્દીઓને અસર થઇ છે તેમને જલ્દી સારૂ થાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ આ બનાવ બાદ રાજકોટ અને અમદાવાદથી આવેલી ટીમે ઓપરેશન રૂમ સીલ કરેલ છે. તેમ વિરનગર હોસ્પિટલના ટ્રસ્ટી અશોકભાઇ મહેતા જણાવ્યું હતું.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
