<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ભાવનગરવાસીઓ આનંદો : જીલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાયો

ડેમના ૨૦ દરવાજા ખોલાયા : પાલીતાણા પંથકના નીચાણવાળા ગામના લોકોને સાવચેત કરાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૦ : સૌરાષ્‍ટ્રનો સૌથી મોટો અને ભાવનગરના પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમ આજે ઓવરફલો થતાં ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજ રોજ સવારે પાંચ કલાકે ૧૦૦% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ૧૦૦% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્‍ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્‍યા હતા.

છેલ્લા થોડા દિવસથી ડેમના ઉપરવાસના વરસાદ વરસતો હોય શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા આજે તા. ૩૦ ના સવારે પાંચ કલાકે શેત્રુંજી ડેમ ૧૦૦% ભરાઈ ગયો હતો.

શેત્રુંજી ડેમ ૧૦૦% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્‍ત ગામો નાની રાજસ્‍થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્‍યા હતા.

સવારે છ વાગ્‍યાની સ્‍થિતિએ ૨૦ ગેટ ૧ ફૂટ જેટલા ખોલવામાં આવ્‍યા હતા. જ્‍યારે ગેટ ખોલવાના સમયે ૧૮૦૦ કયુસેક પાણીની આવક ચાલુ હતી.

(10:04 AM IST)