<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ગિરનાર ઉપર મેઘ તાંડવથી ગત વર્ષ જેવી જળબંબાકારની સ્‍થિતી સર્જાઇ

કલેકટર, કમિશનર, એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પોલીસ તથા મનપાના કર્મચારીઓ ખડેપગે રહ્યા : રવિવારે ગિરનાર પર થયેલા મેઘ તાંડવ, જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્‍થિતિ સર્જાઇ'તી : ૬થી વધુ લોકોનું રેસ્‍કયુ કરાયુ : વરસાદી પાણી દામોદર કુંડના પુલ સુધી પહોંચી ગયા'તા : કાળવા નદીના રૌદ્ર સ્‍વરૂપથી સર્વત્ર પાણી...પાણી...

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : રવિવારે ગિરનાર પર્વત પર મેઘતાંડવ અને જૂનાગઢમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ વરસ્‍યો હતો. જેના પગલે પૂરની સ્‍થિતિનું નિર્માણ થયું હતું.

ગિરનાર પર્વત દાતાર ક્ષેત્રમાં મુશળધાર ૮ ઇંચ ભારે વરસાદ થતા જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ ગઈ હતી.

ભવનાથ તળેટીમાં ભારતી આશ્રમ સહિતના વિસ્‍તારોમાં જળબંબાકારની હાલત થઈ ગઈ હતી.

દામોદર કુંડનું રૌદ્ર સ્‍વરૂપ જોવા મળ્‍યું હતું. પવિત્ર દામોદર કુંડના પાણી પુલ સુધી પહોંચી ગયા હતા. વિસ્‍તારમાં પાણી પાણી થઈ ગયું હતું.

રવિવારની સાંજે ૬ થી ૮ વાગ્‍યામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાતા SDRF અને ફાયરની ટીમ તૈનાત કરવામાં આવી હતી. જૂનાગઢ તાલુકાનાં વિજાપુરમાં લોકો ફસાયાનો મેસેજ મળતા એસડીઆરએફ દોડી ગઇ હતી. આ જ પ્રમાણે જૂનાગઢના દાતા રોડ વિસ્‍તારમાં ફસાયેલી બે યુવતીનું પોલીસ દ્વારા રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું.

જૂનાગઢના ઝાંઝરડા અંડર બ્રિજમાં પાણી ભરાતા કાર ફસાઈ ગઈ હતી. જોકે કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્‍યો હતો. ઝાંઝરડા અંડર બ્રિજની માફક જોષીપરાનો બ્રિજ પણ પાણીથી ભરપુર થઈ ગયો હતો.

ભારે વરસાદથી લોકોના હાલ બેહાલ થઇ ગયા હતા. જૂનાગઢના મોતીબાગ નજીક આવેલી ડ્રીમલેન્‍ડ સોસાયટી પાસે કાળવાની  જૂની દિવાલ તૂટી જતા પાણી ઘૂસી ગયું હતું. આ પાણી શેરીમાં થઈ લોકોના ઘરોમાં પહોંચી જતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા ગત વર્ષે જુલાઈ માસમાં જે સ્‍થિતિ સર્જાઈ હતી તેવી હાલત જોવા મળી હતી. જોકે વરસાદે દોઢ કલાક બાદ વિરામ લેતા પાણી ઓસરવા લાગ્‍યું હતું.

શહેરના મધુરમ વિસ્‍તારમાં આવેલ પ્રિયંકા પાર્ક ઝાંઝરા રોડ પર બાબા કોમ્‍પ્‍લેક્‍સ, કાશી વિશ્વનાથ સોસાયટી, માંગનાથ રોડ પર પ્રિયા કોમ્‍પ્‍લેક્‍સ સહિતના વિસ્‍તારોમાં અને એકાદ ડઝન જેટલી સોસાયટીમાં પાણી

ભરાયાની ફરિયાદ મળી હતી જ્‍યાં મનપાના સ્‍ટાફે જઈ પાણીમાં નિકાલ કર્યો હતો.

જૂનાગઢના પ્રવેશદ્વાર સાબલપુર ચોકડી નજીક રોડ પર પાણી આવી જતા ત્રણ લોકો ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં મનપા તંત્રએ ત્‍યાં જઈ ત્રણ લોકોને રેસ્‍કયું કર્યું હતું.

કાળવાનાં ભારે પૂરના કારણે કાંઠા વિસ્‍તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું આ લોકોએ જીવ બચાવવા માટે આસપાસમાં આશરો લીધો હતો પરંતુ તેના ઘરની ઘરવખરી પૂરમાં તણાઈ ગઈ હતી મોતીબાગ આસપાસ કાળવા નદીમાં ટેબલ ખુરશી સહિતની વસ્‍તુઓ તણાતા જોવા મળી હતી.

કાળવા નદીમાં ભારે પુર આવતા કલેકટર અનિલ રાણાવસિયા, મ્‍યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશ, એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિતનાં અધિકારીઓ એલર્ટ મોડમાં આવી ગયા હતા. કોઈ લોકો ભવનાથ ન જાય તે માટે કાળવા ચોક ખાતે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો. જ્‍યારે મોતીબાગ પાસે પુલ ઉપરથી પાણી વહેવા લાગતા ત્‍યાં પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.

(11:02 AM IST)