તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
વ્યાજના ચક્કરમાં ધમકી મળતા વઢવાણના ફુલગ્રામમાં ડરના લીધે યુવાનની માતાએ ઝેરી પી લીધું!

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૦: તાલુકાના ફુલગ્રામમાં ૨૬ વર્ષીય સુરેશ લક્ષ્મણભાઈ જીડીયા ખેતી અને ડમ્પર ચલાવવાનું કામ કરે છે. એકાદ વર્ષ પહેલા તેઓએ ડમ્પર લીધુ હતુ. જેમાં રૂપિયા ૨ લાખ રામપરાના વનરાજ કાનજીભાઈ વઢેલ પાસેથી ૫ ટકા વ્યાજે લીધા હતા. આ રકમનું મુદ્દલ આપી દેવાયુ હતુ અને ૫૫ હજાર વ્યાજના દેવાના બાકી છે. જયારે દોઢેક વર્ષ પહેલા રામપરાના રમેશ દલસુખભાઈ ખેર પાસેથી ૧ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેનું રૂપિયા ૯૦ હજાર વ્યાજ ચુકવવાનું બાકી હતુ. નવેક માસ પહેલા સુરેશભાઈના પિતા લક્ષ્મણભાઈએ રામપરાના લાભુ ભીખાભાઈ પરમાર પાસેથી દોઢ લાખ રૂપિયા ૫ ટકા વ્યાજે લીધા હતા. જેમાં ૪૦ હજાર વ્યાજ ચુકવવાનું બાકી હતુ. સુરેશભાઈએ ફાયનાન્સમાંથી લીધેલ ડમ્પરના હપ્તા ચડી જતા ફાઈનાન્સ કંપનીએ ડમ્પર સીઝ કરી લીધેલ હોય તેને છોડાવવા ફુલગ્રામના શૈલેષ રાણાભાઈ ગાબુ પાસેથી ૨ લાખ રૂપિયા ૧૫ ટકાના વ્યાજે લીધા હતા. જેમાં ૨ લાખ આપી દીધા બાદ ૬૦ હજાર વ્યાજ બાકી હોય દરરોજના ૨ હજાર માંગતા હતા. આ ચારેય શખ્સો અવારનવાર સુરેશભાઈને ધમકી આપતા હતા. તા. ૨૪-૯ના રોજ શૈલેષે સુરેશભાઈને મારા રૂપીયા લાવી નહીતર મારીશ તેવી ધમકી આપી હતી.
આ અંગેની જાણ સુરેશભાઈના માતા રંભાબેનને થતા તેઓએ આ ચારેયના સતત માનસિક ત્રાસથી કંટાળી અને પુત્રને મારવાની બીકે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે તુરત જ સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની ચારેય વ્યાજના ભુખ્યા વરૂઓ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પીએસઆઈ એમ.આર.ગોહીલ ચલાવી રહ્યા છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
