તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 30th September 2024
સમગ્ર ગુજરાતના રઘુવંશીઓને એક કરીને ઝંપીશઃ જીતુલાલ
ચિક્કાર મેદની વચ્ચે ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'ના નવનિયુકત પ્રમુખનું વચન : સમાજમાં યુવાધનને મહત્વનું ગણીને શૈક્ષણિક, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, લગ્ન વિષયક સેવાઓ વિગેરેને પ્રાધાન્ય આપવાનો જીતુભાઇએ કોલ આપ્યો : જ્ઞાતિ ઉત્કર્ષના કોઇપણ કાર્ય માટે રાજકોટ લોહાણા મહાજન હંમેશા જીતુભાઇ લાલની સાથે છેઃ રાજુભાઇ પોબારૂઃ જ્ઞાતિ સંગઠન તથા દિકરીઓ માટે છાત્રાલયની સુવિધા ઉપર ભાર મૂકતા પૂર્વ સ્પીકર અને ધારાસભ્ય નિમાબેન આચાર્ય : સમાજમાં ટાંટીયાખેંચ બંધ કરીને લોકોએ શ્રમદાન, બૌધ્ધિક તથા આર્થિક દાન કરવું જોઇએઃ જીતુભાઇ સોમાણી : જ્ઞાતિ સંગઠન અને રાજકીય વજન જ સાચી તાકાત છેઃ અશોકભાઇ લાલ : વિરપુર (જલારામ) ખાતેના રઘુવંશી મહાસંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ૧૧પ જેટલા લોહાણા મહાજનના હોદેદારો-સભ્યો-જ્ઞાતિજનો ઉમટી પડયાઃ લકઝરી બસો, ગાડીઓના થપ્પે થપ્પાઃ ટ્રાફીક કલીયર કરાવતા પોલીસને પણ પરસેવો વળી ગયોઃ રઘુવંશીઓની ઐતિહાસિક હાજરી : પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, પાર્થ કોટેચા વિગેરેએ જ્ઞાતિ એકતાની હિમાયત કરી : સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ લોહાણા મહાજન તથા અગ્રણી સંસ્થાઓએ જીતુભાઇ લાલનું અદ્્કેરૂં સન્માન કર્યુ : પ.પૂ. જલારામબાપાના આશીર્વાદ લઇને જીતુભાઇ લાલે પ્રમુખપદ ધારણ કર્યુઃ પૂ. રસિકબાપાના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું.

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૩૦: સમગ્ર વિશ્વમાં કુલ અંદાજે ૩૫ લાખ જેટલા રઘુવંશીઓ વસે છે. અને ભારતમાં રઘુવંશીઓની સોૈથી વધુ વસ્તી (અંદાજે ૨૫ લાખ) ગુજરાત રાજયમાં છે ત્યારે ગુજરાતના રઘુવંશીઓની રાજયકક્ષાની માતૃસંસ્થા ગણાતી ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'ના નવનિર્વાચિત અધ્યક્ષ, નામાંકીત ઉદ્યોગપતિ અને જામનગરના ધુરંધર રઘુવંશી અગ્રણી શ્રી જીતેન્દ્રભાઇ હરીદાસભાઇ લાલે (જીતુભાઇ લાલ- મો.નં.૯૮૨૪૦ ૨૩૩૩૧) વિરપુર ખાતે પ.પુ.જલારામબાપાના આશીર્વાદ લઇને સંસ્થાનું પ્રમુખપદ ગ્રહણ કર્યું હતું.
રઘુવંશીઓની ચિક્કાર- ઐતિહાસિક મેદની વચ્ચે પોતાના અધ્યક્ષીય ઉદબોધનમાં શ્રી જીતુભાઇ લાલે જણાવ્યું હતું કે આજે સમગ્ર સમાજના આગેવાનો એક મંચ ઉપર આવ્યા છે ત્યારે ગુજરાતના તમામ રઘુવંશીઓને પોતે ચોક્કસપણે એક તાંતણે બાંધી રાખશે. આ વચન સાથે આગળ બોલતા શ્રી જીતુભાઇ લાલે કહયું હતું કે ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ' સંસ્થાને દોડતી કરીશ પછી જ પોતે સંતોષ માનશે. સમાજમાં યુવાધન પોતાનું યોગદાન આપે તે ખુબ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
શૈક્ષણિક, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી, પ્રવૃતિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા, લગ્નવિષયક સેવાઓ વિગેરે બાબતો સમાજ માટે ખુબ જરૂરી હોવાનું અને તેને પ્રાધાન્ય આપવાનું જીતુભાઇ લાલે જણાવ્યું હતું. વડીલો અને યુવાનો બંનેના બેલેન્સ અને સમજણથી સમાજ ચાલતો હોય છે અને સમગ્ર સમાજને સાથે રાખીને ચાલવું એ આજના સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું. ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'ના પ્રમુખપદના શપથ લેતા પહેલા શ્રી જીતુભાઇ લાલે વિરપુર (જલારામ) લોહાણા મહાજનના પ્રમુખ અને પુ.જલારામબાપા પરિવારના પુ.રસીક બાપાની હાજરીમાં પ.પુ. જલારામબાપાને પ્રાર્થના સાથે સાથે સંસ્થાનું પ્રમુખપદ ગ્રહણ કર્યું હતું.
વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન'ના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ શ્રી જીતુભાઇ લાલને અભિનંદન આપતા પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે જ્ઞાતિ ઉત્કર્ષના કોઇપણ કાર્ય માટે રાજકોટ લોહાણા મહાજન હંમેશા ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ' (પ્રમુખશ્રી જીતુભાઇ લાલ) સાથે છે. સેંકડો બસો-ગાડીઓ સાથે આવવાનું આપેલ વચન રાજકોટ લોહાણા મહાજને પૂર્ણ કર્યાનું પણ રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ (સ્પીકર) અને પૂર્વ ધારાસભ્ય નિમાબેન આચાર્ય (કચ્છ) પોતાના વકતવ્યમાં જ્ઞાતિ સંગઠન તથા જ્ઞાતિની દિકરીઓ માટે વિવિધ જગ્યાઓએ છાત્રાલયની વ્યવસ્થા ઉભી થાય તે બાબત ઉપર ભાર મુકયો હતો.
વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણીએ કહયું હતું કે, સમાજમાં ટાંટીયા ખેંચ બંધ કરીને સક્ષમ લોકોએ શ્રમદાન, બોૈધ્ધિક તથા આર્થિક દાન આપવું જોઇએ. હાલનો જમાનો તલવારનો નથી પરંતુ ‘‘માથા'' (લોકોની સંખ્યા-એકતા) બતાવવાનો છે, કે જેની દરેક રાજકીય પક્ષે નોંધ લેવી પડે. વધુમાં શ્રી જીતુભાઇ સોમાણીએ સંસ્થાના નવનિયુકત પ્રમુખશ્રી જીતુભાઇ લાલને ‘હાલારના સિંહ' તરીકે ઓળખાવીને સમગ્ર સમાજને શ્રી જીતુભાઇ લાલ એક નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
જામનગરના નામાંકીત ઉદ્યોગપતિ, રઘુવંશી આગેવાન શ્રી અશોકભાઇ લાલે જણાવ્યું હતું કે, જ્ઞાતિ સંગઠન અને રાજકીય વજન જ સાચી તાકાત છે. ગામેગામનો વ્યકિત એકબીજાને મળે તો રાજી થાય તો પછી નાતેનાતનો વ્યકિત એકબીજાને મળે તો કેમ રાજી ન થાય? તેવો અણીયારો સવાલ પણ જ્ઞાતિ એકતા સંદર્ભે શ્રી અશોકભાઇ લાલે કર્યો હતો.
જુનાગઢના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઇ કોટેચા, મોટીવેશનલ સ્પીકર પાર્થભાઇ કોટેચા વિગેરેએ પણ જ્ઞાતિ સંગઠન ઉપર ભાર મુકયો હતો.
શ્રી જીતુભાઇ લાલના પ્રમુખપદના શપથગ્રહણ સમારોહ દરમ્યાન રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્ખર, ડો.પરાગભાઇ દેવાણી, શૈલેષભાઇ પાબારી, આઇ.એ.એસ.ના ઓફીસરશ્રી કેતનભાઇ ઠક્કર, ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી, પૂર્વ સ્પીકર અને ધારાસભ્ય નિમાબેન આચાર્ય, વેરાવળના અગ્રણીશ્રી જયકરભાઇ ચોટાઇ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ મશરૂ, જુનાગઢના પૂર્વ મેયરશ્રી ગીરીશભાઇ કોટેચા, શ્રી પ્રદિપભાઇ ખીમાણી, રાજકોટ મહાનગરપાલિકાના દંડક શ્રી મનિષભાઇ રાડીયા, શ્રી કમલેશભાઇ મીરાણી, શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી, શ્રી હસુભાઇ ભગદે, સોનલબેન વસાણી, શ્રી ધનવાનભાઇ કોટક, ઉમંગભાઇ ઠક્કર, શ્રી અશોકભાઇ લાલ, ઠાકોરભાઇ ઠક્કર, નિતિનભાઇ રાયચુરા, પરેશભાઇ વિઠલાણી, ધર્મેશભાઇ હરીયાણી, શૈલેષભાઇ સોનપાલ, નરેશભાઇ ચંદ્રાણી, હિતેષભાઇ જોબનપુત્રા, ચંદુભાઇ રાયચુરા, યોગેશભાઇ ઉનડકટ વિગેરે અગ્રણીઓ વિવિધ શહેરોમાં હાજર રહયા હતાં.
રઘુવંશી સંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ૧૧પ જેટલા લોહાણા મહાજનના હોદેદારો-સભ્યો-જ્ઞાતિજનો-અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. કદાચ ગુજરાતના ઇતિહાસમાં એક સાથે રઘુવંશીઓની આટલી મોટી હાજરી પ્રથમ વખત નોંધાઇ હશે. લકઝરી બસો, ગાડીઓના થપ્પે થપ્પા લાગી ગયા હતાં. એક સમયે તો ટ્રાફીક કલીયર કરાવતા ફરજ પરના ટ્રાફીક પોલીસ-સ્ટાફને પણ પરસેવો વળી ગયો હતો.
મહાસંમેલનના અંતે સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ લોહાણા મહાજન તથા સંસ્થાઓએ ‘અખિલ ગુજરાત લોહાણા સમાજ'ના નવનિયુકત પ્રમુખશ્રી જીતુભાઇ લાલનું અદેકરૂ સન્માન કરીને તેઓને ફુલડે વધાવ્યા હતા. શ્રી જીતુભાઇ લાલે પણ સુદઢ, શકિતશાળા અને સક્ષમ રઘુવંશી સમાજ થકી દેશનો વિકાસ થાય તેવી ઇચ્છા વ્યકત કરી હતી. સમારોહની શરૂઆતમાં પ.પૂ. જલારામબાપાના પરિવારના શ્રી રસીકબાપાએ દીપ પ્રાગટય કરી મહાસંમેલનની શરૂઆત કરાવી હતી.

(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
