<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના ૮ તાલુકામાં સરેરાશ ૨.૭૧ ઇંચ વરસાદ

જિલ્લાના ૯ તાલુકામાં સિઝનનો સરેરાશ ૭૭.૧૧ ઇંચ વરસાદ નોંધાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : રવિવારે પણ જુનાગઢ સહિત સોરઠમાં મેઘરાજાએ મુકામ રાખ્‍યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના ૮ તાલુકામાં સરેરાશ ૨.૭૧ ઇંચ વરસાદ થતાં આ સાથે જિલ્લાના ૯ તાલુકામાં સીઝનનો કુલ વરસાદ ૭૭.૧૧ ઈંચ થઈ જવા પામ્‍યો છે.

રવિવારે જૂનાગઢ જિલ્લામાં બપોર સુધી એકંદરે સામાન્‍ય હવામાન રહ્યું હતું પરંતુ બપોર બાદથી મેઘરાજાએ વરસવાનું શરૂ કરી દીધું હતું. જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર મુશળધાર વરસાદ વરસ્‍યો હતો.

આજે સવારે છ વાગ્‍યે પુરા થયેલા ૨૪ કલાક દરમિયાન માણાવદર અને માંગરોળ વિસ્‍તાર કોરા રહ્યા હતા. જ્‍યારે વંથલી તાલુકામાં ૩૬ મીમી, જૂનાગઢમાં ૯૧ મીમી, ભેસાણ ૩૮, સૌથી વધુ ૧૧૨ મીમી વિસાવદર તાલુકામાં, મેંદરડામાં ૫૨ મીમી અને માળીયાહાટીના વિસ્‍તારમાં ૨૧મી વરસાદ નોંધાયો હતો.

આ સાથે જૂનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદનો આંક શોધીને ૧૭૩૫૦ મીમી એટલે કે ૬૯૪ ઇંચ થતા જિલ્લાના ૯ તાલુકામાં સરેરાશ ૭૭.૧૧ ઇંચ વરસાદ થઈ ચૂકયો છે.

દરમિયાન જુનાગઢ શહેરમાં આજે સવારે સૂર્યનારાયણને પણ દર્શન દેતા લોકોએ રાહત અનુભવી હતી. જ્‍યારે જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં પણ નોંધપાત્ર વરસાદના સમાચાર નથી પરંતુ વરસાદી વાતાવરણ હોય તેથી બપોર બાદ મેઘરાજાની પધરામણી થાય તેવી શકયતા નકારી શકાતી નથી.

(1:31 PM IST)