News of Monday, 30th September 2024
દેવભુમી દ્વારકા જીલ્લાના જીવલેણ અકસ્માતમાં વહીવટી તંત્રની ઉમદા કામગીરી
થોડી જ મિનીટોમાં ૬ એમ્બ્યુલન્સ પહોંચી ગઇઃ પુનમબેન માડમ, મુળુભાઇ બેરા સહિતના ઘટનાસ્થળે દોડી ગયા'તા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૩૦: દ્વારકા પાસે એક ખાનગી બસ તથા બે મોટર કાર વચ્ચે થયેલા જીવલેણ અકસ્માતમાં દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રની ઉમદા કાર્યવાહી બહાર આવી છે જે અન્ય જીલ્લાઓ માટે પ્રેરણારૂપ બની છે.
રાત્રે સાડા સાત પછી આ અકસ્માત થતા જ જિલ્લા કલેકટર જી.ટી. પંડયાએ તુરત જ કવીક રીસ્પોન્સ ટીમો બનાવીને દ્વારકામાં દ્વારકા ડે. કલેકટર તથા મામલતદાર અને ખંભાળીયામાં ખંભાળીયા ડે. કલેકટર તથા મામલતદાર સાથે જિલ્લા પોલીસ વડા ઇન્ચાર્જ હાર્દિક પ્રજાપતિની ટીમની ઉમદા કાર્યવાહી રહી હતી.
ઘટના બન્યાની થોડી જ મિનીટોમાં છ એમ્બ્યુલન્સો ઘટના સ્થળે સ્ટાફ સાથે પહોંચી ગઇ હતી તથા દ્વારકા તાલુકાના તબીબો પણ આવી ગયા હતા. વધુ ઇજાગ્રસ્તોને જામનગર, ખંભાળીયા મુકવા ઓછા ઇજાગ્રસ્તોને દ્વારકાની હોસ્પીટલમાં પહોંચાડવા તાકીદે વ્યવસ્થા થઇ હતી.
જીલ્લા કલેકટર જી.ટી. પંડયા દ્વારા ઘાયલો દ્વારકાથી ખંભાળીયા આવે તે પહેલા તો જામનગરથી ઓર્થો સર્જન સહિત નિષ્ણાંત તબીબોની ટીમ પણ પહોંચી ગઇ હતી. આ ઉપરાંત મૃતકોને તેમના સગા વહાલાઓને સોંપવા તથા કલોલ ગાંધીનગરથી આવેલા મૃતકોના સગા વહાલાઓ માટે ભોજન સહીતની વ્યવસ્થા તથા ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પીટલોમાંથી પણ એમઆરઆઇ તથા અન્ય રીપોર્ટ કરવા તેમની ફાઇલો તૈયાર કરવા સાથે છેક ઘેર સુધી પહોંચાડવા વ્યવસ્થા કરી હતી. જેમાં ડે. કલેકટર કે.કે.કામટા, સાંસદ પુનમબેન માડમ, મુળુભાઇ બેરા દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડ તથા પીઆઇશ્રી ભટ્ટ, એલસીબી પીઆઇ કે.કે.ગોહીલ તથા એલસીબી એલ.ઓ.જી. સ્ટાફ પણ જોડાયા હતા.
અકસ્માતમાંથી બચેલા-ઘાયલોમાંથી નવને ખંભાળીયા તથા ર ને જામનગર ખસેડાયા હતા. જેમાંથી એકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. ઘાયલોની સારવાર માટે ખંભાળીયા હોસ્પીટલ સ્ટાફ સાથે આખી રાત્રી જામનગરની ટીમ રહી હતી.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
