<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ભુજના આશાપુરા મંદિરે માતાજીની બબ્બે મૂર્તિઓ પાછળનો આ છે ઈતિહાસ…

ગઈકાલે મૂર્તિના મૂળ સ્વરૂપ દેખાયાની ચમત્કારી ઘટના બાદ શ્રદ્ધાળુઓની ભીડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨ :  ગઈકાલે ભુજના આશાપુરા માતાજીના મંદિરે માતાજીની જૂની સ્થાપિત મૂર્તિનું મૂળ સ્વરૂપ દેખાયાની ચમત્કારિક ઘટના બાદ શ્રદ્ધાળુઓની ભીડ દર્શને ઊમટી રહી છે. દરમ્યાન ભુજના રાજાશાહી સમયના આશાપુરા માતાજીના મંદિરે માતાજીની બબ્બે મૂર્તિઓ પૂજાય છે. 

         આ બે મૂર્તિઓ પાછળ એક ઐતિહાસીક ઘટના જવાબદાર છે. કચ્છના તત્કાલીન રાજવી રાઓશ્રી રાયધણજી બીજા મુસ્લિમ ધર્મના પ્રભાવ હેઠળ હતા. એ દરમ્યાન ભુજના આશાપુરા મંદિરને ખંડિત કરવાના સંભવિત પ્રયાસો ની ચર્ચા દરમ્યાન મંદિરનો પૂજારી પરિવાર સ્થાપિત મૂર્તિ લઇ અજ્ઞાત સ્થળે ચાલ્યો ગયો હતો.

          રાજવીના આ મનસૂબાની જાણ થયા બાદ અંજારના લોહાણા દિવાન મેઘજી શેઠને થતાં તેમણે જાડેજા ભાયાતો સાથે મળી પોતાના લશ્કર સાથે ભુજ આવી રાઓશ્રી રાયધણજીને કેદ કર્યા. આ સમયે પ્રજાએ પણ બળવો કર્યો અને કચ્છમાં બારભાયા ના રાજની સ્થાપના થઈ. ત્યારબાદ ભુજના આશાપુરા મંદિરે નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ. આ ઘટના બાદ પૂજારી પરિવાર જૂની મૂર્તિ સાથે પરત ભુજ ફર્યો. એટલે એ જૂની મૂર્તિની પણ મૂળ જ્ગ્યાએ સ્થાપના થઈ. આમ આશાપુરા માતાજીની બે મૂર્તિઓ અહીં પૂજાય છે.

(9:24 AM IST)