<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

સુરેન્‍દ્રનગરના કર્મચારી અને રામગ્રી ગામે ખેડૂતના બંધ મકાનમાં તસ્‍કરો પ્રવેશ્‍યાઃ સાડા ત્રણ લાખની મતા ગઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨: સુરેન્‍દ્રનગરના નવા જંકશન વિસ્‍તારમાં આનંદ સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષીય બિપીનભાઈ ચંદુલાલ મશ્‍કારીયા આધાર હાઉસીંગ ફાઈનાન્‍સમાં ફરજ બજાવે છે. ગત તા. ૨૬ મીના રોજ તેઓ ફરજ પર ગયા હતા. જયારે બપોરના સમયે તેમના પત્‍ની બજારમાં તેમજ તેમના બહેનના ઘરે ગયા હતા. સાંજના સમયે બીપીનભાઈના પત્‍ની સોનલબેને ઘરે આવીને જોતા દરવાજા તુટેલા હતા. આથી બીપીનભાઈને જાણ કરાતા તેઓ ઘરે દોડી ગયા હતા. અને તપાસ કરતા ઘરના બે દરવાજાના ઈનબીલ્‍ડ લોક અને નકુચા તોડી તસ્‍કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ૧,૩૨,૬૦૦ના સોના-ચાંદીના ઘરેણા તથા રોકડા રૂ. ૩૨ હજાર મળી કુલ રૂ. ૧,૬૪,૬૦૦ના મત્તા તસ્‍કરો લઈ ગયા હતા. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્‍યા શખ્‍સો સામે ફરિયાદ નોંધાત વધુ તપાસ પીએસઆઈ એચ. એસ. જાડેજા ચલાવી રહ્યા છે.

દસાડા તાલુકાના રામગ્રી ગામે રહેતા ખેડૂત ૫૬ વર્ષીય જયંતીભાઈ કલ્‍યાણભાઈ આસજોલીયાના પુત્ર નીલેશભાઈ અમદાવાદ રહે છે. છેલ્લા પાંચેક માસથી જયંતીભાઈ પણ અમદાવાદ તેઓના ઘરે રહે છે. અને થોડા-થોડા દિવસે રામગ્રી આવે છે. તેમના બંધ રહેણાંક મકાનને તસ્‍કરોએ નિશાન બનાવ્‍યુ હતુ. અને ઘરમાંથી રોકડા રૂપિયા ૧.૦૫ લાખ, રૂપીયા ૮૧ હજારના આભુષણો સહિત રૂપિયા ૧.૮૬ લાખની મત્તા ચોરી કરી લઈ નાસી છુટયા હતા. ચોરીના બનાવની જાણ થતાં બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ એન.એમ.ચૌધરી ચલાવી રહ્યા છે.

(9:57 AM IST)