<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ગાંધીજીના સફાઇ - ગ્રામીણ ઉત્‍થાનના મંત્રને આજે આગળ વધાર્યો : ભૂપેન્‍દ્રભાઇ

પોરબંદરમાં કીર્તિ મંદિરે ગાંધી જયંતીએ પુષ્‍પાંજલી બાદ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં મુખ્‍યમંત્રીનું સંબોધન : વર્તમાન સમયમાં શાંતિના સમાધાન માટે ગાંધી વિચારો ઉપયોગી : ડો. મનસુખભાઇ : ગાંધી જયંતીએ સુદામા ચોકમાં સફાઇ શ્રમદાન યજ્ઞ : કમલાબાગમાં વ્‍યાયામ શાળાનું લોકાર્પણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨ : વિશ્વના મહામાનવ અને રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની ૧૫૫મી જન્‍મજયંતિએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આજે સવારે ગાંધીજીના જન્‍મસ્‍થળ કિર્તી મંદિરે આવીને ગાંધીજીને પુષ્‍પાંજલિ અર્પી હતી. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ સાથે રહેલા કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાએ ગાંધીજીને પુષ્‍પાંજલિ અર્પી હતી.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ તથા કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ બન્‍ને મહાનુભાવોએ કિર્તી મંદિરના પટ્ટાંગણમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્‍થિત રહ્યા હતા. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ગાંધીજીએ આપેલા સફાઇ અને ગ્રામીણ ઉત્‍થાનના મંત્રને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશમાં આગળ વધાર્યો છે. ગાંધીજીએ અત્‍યોંદય અને સર્વોદયનો વિચાર દેશને આપીને છેવાડાના કચડાયેલા લોકોની ચિંતા કરી હતી.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇએ જણાવેલ હતું કે, ૨૦૧૪માં દેશમાં સ્‍વચ્‍છતા અભિયાનનો પ્રારંભ ગાંધી જન્‍મસ્‍થળ કિર્તી મંદિરથી નરેન્‍દ્રભાઇ મોદીએ કરાવ્‍યો હતો.

સર્વધર્મ પ્રાર્થના સભામાં કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ ગાંધીજીના વિચારોને યાદ કરીને જણાવેલ હતું કે, ગાંધીજી સત્‍ય, અહિંસા, શિક્ષણ, સ્‍વચ્‍છતા, સમાજના વિકાસના વિચારથી દેશને આઝાદી મળી અને શાસન પરિવર્તન આવ્‍યું હતું અંગ્રેજોની ગુલામીમાંથી લોકોને મુકત કરાવ્‍યા હતા.

કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇએ જણાવેલ હતું કે, આજના સમયની પરિસ્‍થિતિમાં શાંતિના સમાધાન માટે વિશ્વ માનવ ગાંધીજીના વિચારો કામ લાગે છે.

સર્વધર્મ પ્રાર્થના સભામાં ગાંધીજીના પ્રિય ભજન વૈષ્‍ણવજન તો તેને રે કહીએ... સહિત ભજનો રજૂ કરવામાં આવ્‍યા હતા.

મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિએ ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, રાષ્‍ટ્રીય સંત રમેશભાઇ ઓઝા, પૂર્વ ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરિયા, પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. ગાંધી જયંતીએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ અને કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાની ઉપસ્‍થિતિમાં સુદામા ચોકમાં સફાઇ શ્રમદાન યજ્ઞ અને કમલાબાગમાં વ્‍યાયામ શાળાનું લોકાર્પણ સહિત કાર્યક્રમોના આયોજન થયા છે.

(10:59 AM IST)