News of Monday, 7th October 2024
ખંભાળીયાના બેહ ગામે જુંગીવારા વાછરાભાની જાતરની ભવ્ય ઉજવણીઃ ભાવિકો ઉમટયા
દ્વારકા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ ખાતે જાતરની ભવ્ય ઉજવણીમાં સોૈરાષ્ટ્રભરમાંથી અઢારેય વર્ણના લોકો દર્શનાર્થે આવે છે

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ ધામો પૈકી ખંભાળિયા થી ૩૦ કિમી દૂર દ્વારકા તરફ જતા બેહ ગામના પાટીયે થી નવ કિલોમીટરે આવેલું સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ ખાતે નવરાત્રિના પ્રથમ સોમવારે આજે જુંગીવારા વાછરાભાઈના મંદિરે જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ સૌરાષ્ટ્રભરમાંથી દર્શનાર્થે ઉમટી પડયા છે.
આશરે પાંચસો વર્ષ પહેલા બેહ ગામે આવેલ જુગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો તે વખતે ચારણની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદ્રષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત ધરાઅંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજને સમરણ કરતા જ વિર વછરાજ પ્રગટ થઈ અસુરને ત્યાં હણીને ચારણની દીકરીની રક્ષા કરી હતી, જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજને અહીં બેહ ગામમાં જ રહી ગામનું રક્ષણ કરવાનું કહી પોતે સમાધિ રૂપે સમાઈ ગયા હતા ત્યારથી જ વીર વછરાજ જુંગીવારાના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે.
ગામલોકોના વડવાઓના જણાવ્યા મુજબ આશરે ૨૦૦ વર્ષ પહેલા જામનગર સ્ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્ટેટનો બાકી આકાર(કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવેલું તેમાં બેહ ગામનો કર બાકી હોય કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ જામનગરના સ્ટેટ કર્યો ગામલોકો દ્વારા વિર વછરાજ ભાઈની ડેરીએ પ્રર્થના કરી અને આગેવાનોએ થોડો-ઘણો કર લઈ જામ સ્ટેટના બંગલે પહોંચ્યા ત્યારે જામ સ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેહ ગામનો કર ભરાઇ ગયેલ છે ત્યારે ગામના લોકોનો આ બાબતે પૂછવામાં આવતા સાહેબે જણાવ્યું હતું કે કોઈ ઘોડેસવાર વ્યક્તિ આવીને ભરી ગયેલ હોય તો ગામના આગેવાનોએ માનેલ કે નક્કી જુંગીવારા વાછરાભાઈએ ભરેલ છે અત્યારે ત્યાં જુંગીવારા વાછરાભાઈનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે. જુંગીવારા વાછરા ભાઈના મંદિર પ્રત્યે શ્રધ્ધાળુઓની માન્યતા છે કે બેહ ગામોના આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ મંદિરની સામે આશરે ૨૧ એકર જેટલી જમીન આવેલી છે કોઈપણ વ્યક્તિ તેમાંથી લાકડું દાતણ કે બાવળનો કાંટો પણ લઈ જઈ શકતું નથી જે લોકો લઇ ગયેલ હતા તે લોકો પાછા મૂકી ગયાઓના દાખલા છે આજે પણ ગામના ધનાણી પરિવારમાં બીડી, હુકો કે ચલમ પીવાતી નથી તેમજ ગામ લોકોના મકાન ઉપર બીજો માળ કરવામાં આવેલ નથી.
જાતરમાં ચારણ ગઢવી સમાજના ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત ચારણી રમત વિખ્યાત છે જે અહીં જાતરમાં ભાઈઓ બહેનોની રમતની અનેરી જમાવટ જોવા મળશે આ સાથે વાછરાભાઈના મંદિરમાં ખીરનું નિવેદ્ય કરવામાં આવે છે આ મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ સોમવારે જાતરની ઉજવણી કરવામાં આવે છે વછરાજ ભક્તો હજારોની સંખ્યામા ઉમટે છે બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ ગઢવી સહિત ગ્રામજનો દ્વારા બેહ ગામના વડીલોના માર્ગદર્શન હેઠળ જાતરની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
