News of Monday, 7th October 2024
પૂ. મહંત સ્વામીની ૧૩મીએ ગોંડલમાં પધરામણી : ગોંડલમાં દિપોત્સવી ઉજવાશે
૨૩ દિવસ રોકાશે : શ્રી અક્ષર મંદિરમાં દરરોજ આર્શિવચન - દર્શનનો લાભ આપશે

(જીતેન્દ્ર આચાર્ય - અશોક જોશી દ્વારા) ગોંડલ તા. ૭ : ગોંડલ માં તા.૧૩/૯/૨૦૨૪, રવિવારે સાંજે, બોચાસણવાસી શ્રીઅક્ષર-પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના સુત્રધાર પ્રકટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનું અક્ષર મંદિર ખાતે આગમન થશે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના પદ પંકજથી પુનિત થયેલા, સાક્ષાત સ્થાન શ્રીઅક્ષરતીર્થ, ગોંડલના આંગણે, સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૨૩ દિવસ સુધી શ્રીઅક્ષર મંદિરમાં બિરાજી દિવ્ય સત્સંગલાભ આપશે.
તા.૧૬/૧૦/૨૦૨૪ના રોજ શરદપૂનમે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો ૨૪૦મો જન્મોત્સવ હોય સાંજે ૦૭ થી ૧૦ વાગ્યા દરમ્યાન અતિ ભવ્યતાથી ઉજવાશે. તા.૨૩ અને તા.૨૫ના રોજ સવારે ૯ વાગ્યે દીક્ષા મહોત્સવ યોજાશે. જેમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે, બુધવારે પાર્ષદી દીક્ષા અને શુક્રવારે ભાગવતી દીક્ષા નવયુવાનો ગ્રહણ કરશે.
તા.૨૯/૧૦/૨૦૨૪ મંગળવાર, ધનતેરશના શુભ દિવસે વિશ્વશાંતિ મહાયાગ, બ્રહ્મમુહૂર્તમાં વહેલી સવારે ૪ થી ૮ વાગ્યા દરમ્યાન પવિત્ર ગોંડલી નદીના કિનારે શ્રીઅક્ષરઘાટ પર યોજાશે. તા.૩૧ ગુરૂવારને દીપોત્સવી દીને ચોપડા પૂજન નિમિત્તે મહાપુજા સાંજે ૪.૩૦ વાગ્યે શરૂ થશે. અને તા.૦૨/૧૧/૨૦૨૪ શનિવાર, નૂતનવર્ષના પવિત્ર દિને અન્નકૂટ દર્શનનો લાભ સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી પ્રાપ્ત થશે.
આ ઉપરાંત તા.૧૩ ઓકટોબરથી ૦૪ નવેમ્બર દરમ્યાન, યોગી સભામંડપમ્ ખાતે સવારે ૬ વાગ્યે સ્વામીશ્રીના પ્રાતઃપૂજા દર્શન, આશીર્વચન અને સાંજે ૬ વાગ્યે પારાયણમાં પૂ.સંતોના મુખે કથામૃતનો લાભ પ્રાપ્ત થશે.
મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વે ભકતજનોને શ્રીઅક્ષર મંદિરના કોઠારી પૂ.દિવ્યપુરૂષ સ્વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
