તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 7th October 2024
કચ્છના ગાંધીધામમાંથી ૧૨૦ કરોડનું કોકેન ડ્રગ્સ ઝડપાયું
પૂર્વ કચ્છ પોલીસે ખારીરોહર ગામ પાસેથી ૧૨૦ કરોડ રૂપિયાનું ૧૧ કિલો કોકેન ડ્રગ્સ ઝડપી વધુ તપાસ આદરી : બિનવારસુ હાલતમાં જપ્ત થયા બાદ શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : કચ્છના ગાંધીધામમાંથી ૧૨૦ કરોડનું કોકેન ડ્રગ્સ મળતાં ચકચાર મચી ગઈ છે.
પૂર્વ કચ્છ પોલીસે ખારીરોહર ગામ પાસેથી ૧૨૦ કરોડ રૂ. નું ૧૧ કિલો કોકેન ડ્રગ્સ ઝડપી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ડ્રગ્સનો આ જથ્થો પોલીસે બિનવારસુ ઝડપાયો છે.
દેશના અનેક રાજયોમાં દિવસેને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજયમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. આમ છતાં રાજયમાંથી ડ્રગ્સ મળવાની ઘટના પણ છાશવારે સામે આવે છે. રાજયમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ડ્રગ્સ પેડલર્સ સામે આક્રમક કાર્યવાહી કરી છે.એક દિવસ અગાઉ પણ ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને ૧૮૧૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે ભોપાલમાં એમ.ડી.ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડીને ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે પોલીસ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે થોડા દિવસ અગાઉ પોલીસે સંતરામપુરની વાકાનાડા ચોકી પર પેટ્રોલિંગ દરમિયાન એક વ્હાઈટ સ્વીફટ કારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પૂર ઝડપે જઈ રહેલી કારનો પોલીસે પીછો કરીને ગાડીને રોકી હતી. આ પછી પોલીસે કારમાં સવાર લોકોની પુછપરછ કરતાં અને ગાડીમાં શોધખોળ કરતા પાવડરના પેકેટ મળી આવ્યા હતા. પાવડરના પેકેટનું FSLએ ચેકિંગ કરતા ૪૪.૬૩૦ ગ્રામનું ડ્રગ્સ ઝડપાયું હતું.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
