News of Monday, 7th October 2024
વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મહેન્દ્ર આણદાણીએ રંગ જમાવ્યો
અમિતભાઇ શાહ, ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના ઉપસ્થિત

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા., ૭: ગુજરાત રાજ્યનો સૌથી મોટો, મહત્વનો અને જાજરમાન કાર્યક્રમ એટલે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતે દરવર્ષે યોજાતો મલ્ટીમીડિયા શો વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ વર્ષ ૨૦૨૪ના આ સંપૂર્ણ મલ્ટીમીડિયા શો કે જેનું વિષયવસ્તુમાં આદ્યશકિત રાખવામાં આવ્યુ અને તેનાં સંપૂર્ણ નિર્માણ, દિગ્દર્શનનું કામ, આ જ વર્ષ માં ગુજરાત સરકારે રાજ્યના સર્વોચ્ચ એવોર્ડ ગુજરાત ગૌરવ એવોર્ડ-૨૦૧૯ થી અને ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલયની સંસ્થા સંગીત નાટક અકાદમી, દિલ્હી એ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીના હસ્તે લોકનૃત્યના રાષ્ટ્રના સર્વોચ્ચ એવોર્ડ અકાદમી એવોર્ડ-૨૦૨૨ અર્પણ કરી જેમનું સન્માન કરવામાં આવ્યું છે એવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જેઓએ ગુજરાતની લોકકલાને ગૌરવ અપાવ્યું છે એવા લતીપુરના મહેન્દ્ર આણદાણીની પસંદગી કરી આ શો માટેની સંપૂર્ણ જવાબદારી સોંપેલ. આવા કાર્યક્રમોમાં હંમેશા શહેરો અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, સુરત, જેવા શહેરોના જ કલાકારોને આવી જવાબદારી સોંપવામાં આવતી. પ્રથમ વખત જ એક નાનકડા ગામના લોક કલાકાર પર વિશ્વાસ કરી આવડી મોટી જવાબદારી સોંપવામાં આવી તે માત્ર લતીપુર કે જામનગર જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ખુબ ગૌરવની વાત છે, આ ૨૨ વર્ષના વાયબ્રન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
તા.૩ ઓકટોબર ૨૦૨૪ એટલે કે પ્રથમ નોરતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદો હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, મયંકભાઈ નાયક ધારાસભ્યો, મુખ્ય સચિવ રાજકુમારજી, પંકજ જોશીજી, એમ.કે.દાસ જી, ૧૦ જેટલા દેશોના રાજદ્વારીઓ, અને આશરે ૮૦૦૦ જેટલા દર્શકોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભગવાન રામે કરેલ નવરાત્રી અનુષ્ઠાન, મહિષાસુર મર્દિની, જેવા નાટ્ય અંશો સાથે સાથે માં ભગવતીના નવ સ્વરૂપો અને એની વિવિધ સમાજો દ્વારા થતી પૂજા અર્ચના નૃત્ય સ્વરૂપે આબેહુબ રીતે રજુ કરાઇ હતી.
ગૃહમંત્રી અમિતભાઈ શાહે તાળીઓથી કાર્યક્રમને સરાહ્યો અને પોતાના ફોન થી વિડીઓ પણ ઉતાર્યો તો બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ મહેન્દ્ર આણદાણી ને રૂબરૂ મળીને કાર્યક્રમની ખુબ સરાહના કરીને અભિનંદન પાઠવ્યા હતા. અન્ય દેશોમાં થી પધારેલા રાજ્દૂતશ્રીઓ અને અન્ય રાજદ્વારીઓ એ પણ સ્ટેજ પર આવી સમગ્ર કલાકારો સાથે તસવીરો લીધી હતી અને આવો સુંદર કાર્યક્રમ પ્રસ્તુત કરવા બદલ અભિનંદન આપ્યા હતા. પ્રેસ પ્રતિનિધિના એક સવાલ ના જવાબમાં મહેન્દ્ર આણદાણી એ જણાવેલ ગુજરાતના હરેક કલાકારનું એક સ્વપ્ન હોય છે કે એક વાર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં કાર્યક્રમ કરવા મળે, તો આ તો આખો કાર્યક્રમ જ સરકારશ્રી એ મારા પર વિશ્વાસ મુકીને મને સોંપી દીધો ત્યારે મને કેટલો આનંદ થયો હશે એની તો કોઈ કલ્પના પણ ન કરી શકે અને સાથોસાથ એને સંપૂર્ણ પણે સફળ બનાવવાની જવાબદારી નો બોજ પણ એટલો જ વધી ગયો હતો.
ટીમના સ્ક્રીપ્ટ રાઈટર મયંક દવે, નૃત્ય નીર્દેશક શ્રી અંકુર પઠાણ, કોર્ડીનેટર શ્રીમતી અરુણાબેન મારુંએ મને ખુબ જ સાથ આપ્યો અને સ્ટુડીઓ સુરમધુર, મ્યુંઝીકા સ્ટુડીઓના નિશીથ મહેતા, વિજયભાઈ, સ્ક્રીનના માણીગર રાજદીપ ભટ્ટી, ધર્મ સાંસદ કનૈયાલાલ મહારાજ, નાટ્ય દિગ્દર્શકો રફીકખાન પઠાણ અને મયંક દવે, નાટ્ય અને નૃત્ય દિગ્દર્શન સહાયક સર્વશ્રી કુ. અંજના અગ્રાવત, કરણ પંચાલ, નીરવ વૈદ્ય, માનીશ પંડયા,રીચા ત્રિવેદી, મહીપ શાહ,યુસુફ કોઠારિયા, ગાયકો સર્વશ્રી અભેસિંગભાઈ રાઠોડ, પરાગર વોરા, હિમાલી વ્યાસ, વિષ્ણુ પનારા,નીરજ પરીખ, ફિનાલે ગીતના રચયિતા તુષાર શુકલ, મહાભારત ફેઈમ હરીશ ભીમાણી, નિસર્ગ ત્રિવેદી અને પટેલ રાસ મંડળી ની સાથે સાથે ગુજરાત અને અન્ય રાજ્યોના કલા મંડળોના સહિયારા પ્રયાસ અને જહેમત થી મને આ સફળતા પ્રાપ્ત થઇ છે માટે આ તમામ અને નામી અનામી કલાકારોનો અને કાર્યક્રમ માટે પસંદગી કરી વિશ્વાસ વ્યકત કરવા બદલ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને પ્રવાસન વિભાગના અધિકારીશ્રી ઓ સર્વશ્રી અશ્વિનીકુમાર (સચિવ) આલોકકુમાર પાંડે (કમિશ્નર), શ્રી રાજેન્દ્રકુમાર (સચિવ-પ્રવાસન), સુશ્રી છાકછુઆક (એમ.ડી. પ્રવાસન), અને તમામ અધિકારીઓ નો પણ આભાર માન્યો હતો.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
