તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
મોરબી જિલ્લામાં ૫૦ ટકા પાકનો સફાયોઃ કપાસને ૮૦ ટકા નુકસાન
ખેતીવાડી વિભાગ સહિતની ૨૯ ટીમ દ્વારા ૩૩ દિવસમાં સર્વે પૂર્ણ કરાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૯: મોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ સતત પાંચ દિવસ સુધી હેલી સ્વરૂપે વરસાદ વરસ્યા બાદ મોરબીના મચ્છુ-૨ અને મચ્છુ-૩ ડેમમાંથી વિક્રમી કહી શકાય તેવો જળજથ્થો છોડવામાં આવતા મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના ખેડૂતોને સૌથી વધુ નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ખેડૂતોને ખરીફ પાકમાં ભારે વરસાદ બાદ થયેલ નુકશાન અંગે સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ સહિતની ૨૯ ટીમોને સર્વેક્ષણ માટે મેદાનમાં ઉતારવામાં આવતા ૩૩ દિવસના અંતે ખેતીવાડી સર્વે પૂર્ણ થયો છે જેમાં સતાવાર રીતે મોરબી જિલ્લામાં પાંચેય તાલુકામાં ખેડૂતોને ૪૮.૩૭ ટકા પાક નુકશાન ગયાનું તારણ કાઢવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ૩,૧૪,૯૪૪ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું અને સમયસર વરસાદ આવ્યો હોય મોટાભાગના ખેડૂતોને સારી ઉપજ આવવાની આશા હતી પરંતુ ભારે વરસાદ અને વરસાદ બાદ પૂર્ણા પાણીએ ખરીફ પાકની પથારી ફેરવી દેતા પાંચ તાલુકાના ૧,૫૧,૭૮૯ ખેડૂતોના ખેતરમાં રહેલા પાકનો સફાયો થયો હતો અને જિલ્લામાં કુલ ૧,૫૨,૩૬૦ હેકટરમાં નુકસાન થયું હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.
મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને બાદમાં પુરના પાણી ફરી વળતા જિલ્લાના પાંચેય તાલુકામાં ખેડૂતોના ખરીફ પાકને વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થયું છે જેમાં સૌથી વધુ નુકશાન માળીયા તાલુકામાં થયું છે. સરકારના આંકડા મુજબ માળીયા(મી.) તાલુકામાં ૮૫%, વાંકાનેર તાલુકામાં ૬૫%, મોરબી તાલુકામાં ૬૨ % ટંકારા તાલુકામાં ૩૪% અને હળવદ તાલુકામાં ૫% નુકસાની થઇ છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
