<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

જૂનાગઢમાં મહિલાના પૂર્વ અને વર્તમાન પતિ વચ્‍ચે મારામારી

માણાવદરના કોઠાડી ગામે ૨ મહિલા સહિત ૪ શખ્‍સે યુવાનને પાવડો માર્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૯: જૂનાગઢમાં મહિલાના પૂર્વ, વર્તમાન પતિ વચ્‍ચે બઘડાટી બોલી હતી. શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ ગણેશનગરમાં માછલી ઘરની બાજુમાં રહેતા ૪૯ વર્ષીય રાજુભાઈ અમળતલાલ શાહ ગિરનાર દરવાજા રોડ ઉપર ઉભા હતા ત્‍યારે આગળની પત્‍ની સાથે રજીસ્‍ટર મેરેજ કરનાર જય ઉર્ફે જગદીશ મનુભાઈ ગરીયલે ઢીકાપાટુનો માર મારી ધમકી દીધી હતી.

સામા પક્ષે ૪૩ વર્ષીય જગદીશ મનુભાઈ ગરીયલ પત્‍ની અને બાળકો સાથે મોપેડ પર ગિરનાર દરવાજા તરફ જતા હતા ત્‍યારે રાજુ અમળતલાલ શાહે છૂટાછેડાના મનદુઃખથી માર મારી ધમકી આપી હતી.

આ અંગે બંનેએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

 યુવાનને પાવડો માર્યો

માણાવદર તાલુકાના કોઠડી ગામે રહેતો ૩૧ વર્ષીય મુકેશ મેપાભાઇ દાફડા નામનો યુવક સોમવારે સાંજે ઘર આગળ ફળિયામાં બેઠો હતો.

ત્‍યારે ઘર પાસે તેના પિતાએ બનાવેલા શૌચાલયના મુદ્દે ચેતન ખીમાભાઈ દાફડા, તેની પત્‍ની કિરણ, ઉમેશ જગદીશ દાફડા અને મનિષાબેન બાબુ દાફડાએ આવી બોલાચાલી કરી પાવડા, લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા મુકેશને માણાવદર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો.

(4:45 PM IST)