તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
જામનગરના ‘‘ગુડ ઇવનિંગ'' અખબારનાં તંત્રી સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યામાં ગંભીરસિંહ જાડેજાને આજીવન કેદ
૧૯૯૩માં થયેલ આ હત્યા પ્રકરણમાં ૩ વ્યકિતઓનો નિર્દોષ છુટકારોઃ ૨૫ હજારનો દંડઃ સરકારી વકિલ જમનભાઇ ભંડેરીની દલીલો માન્ય રાખતી જામનગરની સેશન્સ અદાલત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯: જામનગરમાં અખબારના તંત્રીની હત્યા કરનાર ગંભીરસિંંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ૧૯૯૩માં જામનગરના ‘‘ગુડ ઇવનિંગ'' અખબારના તંત્રી સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી આ હત્યામાં ગંભીરસિંહ જાડેજાને કોર્ટે ગુનેગાર ફેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ પ્રકરણમાં ૩ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. જયારે પાંચ વ્યકિતના અવસાન થયા છે.
જામનગરમાં ૩૧ વર્ષ પહેલા સને-૧૯૯૩ માં ‘‘ગુડ ઇવનિંગ'' અખબારના તંત્રી સુરેન્દ્રસિંહ કિરીટસિંંહ જાડેજાની નવ આરોપીઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવેલી હતી. જે અંગેનો આજ રોજ આખરી ચુકાદો આવતા ઉપરોકત નવ આરોપીઓ પૈકી (૧) માધવદાસ, (૨) ધર્મેન્દ્ર, (૩) અનોપસિંહ તથા (૪) પુર્વ પોલીસ કર્મી ગંભીરસિંહ જાડેજા અને (૫) મંગળસિંહ ઉર્ફે રૂપસિંહ (૬) પરબત, (૭) ભવાન, (૮) અરવિંદ તથા (૯) નિકુળસિંહ વિગેરેએ સદર ગુનામાં આરોપી નં. ૪ પુર્વ પોલીસ કર્મી ગંભીરસિંહ જાડેજાને જામનગરની સેશન્સ અદાલતે આજીવન કારાવાસની સજા ફરમાવતો ચુકાદો જાહેર કરેલ છે.
જયારે આરોપી માધવદાસ, ધર્મેન્દ્ર, પરબત, અનોપસિંહ, મંગળસિંહ ઉર્ફે રૂપસિંહ ચાલતા કામે અવસાન થઈ ગયેલ છે અને આરોપી નં. ૪ ને આજીવન કારાવાસ, તેમજ આરોપી ભવાન, અરવિંદ, નિકુળસિંહને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો ચુકાદો સેશન્સ અદાલતના મહે. જજસાહેબ વી.પી. અગ્રવાલે ચુકાદો ફરમાવેલ છે.
જામગરના અખબાર ‘‘ગુડ ઈવનિંગ'' ના તંત્રી સુરેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા ૩૧ વર્ષ પહેલા ૧૯૯૩ ની સાલમાં લીમડાલાઈન વિસ્તારમાં રીલાયન્સ કોર્પોરેશનની ઓફીસે કામસર ગયેલા, ત્યારે ત્યાં ઉપરોકત નવ આરોપીઓ એકસંપ કરી લોખંડના પાઈપ, છરી, તલવાર જેવા ઘાતક હથીયારો સાથે હાજર હોય, ઝઘડો કરી સુરેન્દ્રસિંહ ઉપર હુમલો કરી હત્યા નિપજાવેલ હતી.
આ કેસમાં ખુબ જ લાંબા સમય સુધી કાનુની જંગ ખેલાયો હતો અને સદર કેસમાં પ્રોસીકયુશન તરફે ૨૯ જેટલા સાક્ષી-સાહેદો અને ૩૮ જેટલા દસ્તાવેજી પુરાવા તપાસવામાં આવ્યા હતા અને આ કાનુની વિવાદમાં ઉપરોકત દસ્તાવેજોને ચેલેન્જ પુર્વક પુરવાર કરવામાં પ્રોસીકયુશન તરફે સફળ રહેલ છીએ.
બનાવ આશરે ૩૧ વર્ષ પહેલા બનેલ હતો અને બનાવ વખતે જેમની હત્યા થયેલ છે, તેઓ ‘‘ગુડ ઈવનિંગ'' નામનું અને સાંધ્ય દૈનિક ચલાવતા હતા અને સક્રિય સામાજીક કાર્યકર રહ્યા હતા અને જે તે વખતે આ પ્રેસના ઉદઘાટન વખતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી સહિત અડધું પ્રધાન મંડળ હાજર રહયું હતું અને સદર બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડેલ હતા.
ગુનામાં આટલા લાંબા સમયના કાનુની જંગમાં ઘણી વિટંબણાઓ વચ્ચે ફરીયાદ પક્ષને સાચા અર્થમાં ન્યાય મળ્યો છે. સદર કેસમાં જીલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતા.(૨.૧૮)
મૃતક સુરેન્દ્રસિંહ જાડેજા
સરકારી વકીલ,
જમનભાઇ ભંડેરી
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
