<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

પોરબંદરમાં ‘પૂ. ભાઇશ્રી'ની નિશ્રામાં અનુષ્‍ઠાનમાં કોકિલાબેન અંબાણીની ઉપસ્‍થિતિ

શ્રીહરિ મંદિરમાં પૂજન અર્ચન : માતાજીની ઉત્‍સવ મૂર્તિનું પંચોપચાર પૂજન, અભિષેક, આરતી : પૂ. રમેશભાઇ ઓઝાના આશિર્વાદ લીધા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૦ : પોરબંદરના સાંદીપનિમાં ૪૩મા શારદીય નવરાત્રિ મહોત્‍સવમાં પૂજ્‍ય ભાઇશ્રી દ્વારા ચાલી રહેલા શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનના સાતમા દિવસે મુંબઈથી અંબાણી પરિવારના મોભી ભગવદીયા કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં પૂજ્‍ય ભાઈશ્રીની પ્રેરણાથી શ્રીહરિ મંદિરની બગીચીમાં માં મહિસાસુરમર્દિની માતાના મંડપની સ્‍થાપના કરવામાં આવી છે જ્‍યાં નવરાત્રિ દરમ્‍યાન નિયમિત વિધિવત પૂજન-અર્ચન, ચાર વેદોના મંત્રોથી માં ભગવતીનિ સ્‍તુતિ કરવામાં આવી રહી છે. જેના મનોરથી તરીકે ભગવદીયા કોકિલાબેન અંબાણી સેવા આપી રહ્યા છે. ત્‍યારે નવરાત્રિના સાતમા નોરતે મુંબઈથી ભગવદીયા કોકિલાબેન અંબાણી સાંદીપનિમાં વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓએ માં મહિષાસુર સ્‍થાપના મંડપમાં આવીને શાષાોક્‍ત વિધિપૂર્વક માતાજીની ઉત્‍સવમૂર્તિનું પંચોપચાર પૂજન, અભિષેક અને આરતી સંપન્ન કરી હતી. સંપૂર્ણવિધિ બંગાળ અને કાશીથી આવેલા બ્રાહ્મણો દ્વારા તથા સાંદીપનિના ઋષિકુમારો દ્વારા કરાવવામાં આવી હતી.

માં મહિષાસુરમર્દિની માતાજીના પૂજન-અર્ચન બાદ ભગવદીયા કોકિલાબેન પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા ચાલી રહેલા શ્રીરામચરિત માનસ અનુષ્ઠાનમાં ઉપસ્‍થિત રહ્યા હતા. પૂજ્‍ય ભાઈશ્રીએ ભગવદીયા કોકીલાબેનનું શાબ્‍દિક સ્‍વાગત કરીને કહ્યું હતું કે સાંદીપનિમાં કોકિલાબેન સેવા આપતા જ રહે છે. ગતવર્ષ મુજબ આ વર્ષે પણ વૈદિક રિચ્‍યુઅલ ટીમ દ્વારા જે વિવિધ અનુષ્ઠાન થઇ રહ્યા છે તેમાં મુખ્‍ય માં મહિષાસુરમર્દિની માતાજીની સેવા ભગવદીયા કોકિલાબેનની છે. શ્રીહરિ મંદિરના સર્વે ગર્ભગળહના ચાંદીના દ્વારની સેવા જે કોકિલાબેન દ્વારા આપવામાં આવી છે તેનું પણ આ અવસરે પૂજ્‍ય ભાઈશ્રીએ સ્‍મરણ કર્યું હતું. પૂજ્‍ય ભાઈશ્રીએ ભગવદીય સ્‍વ.ધીરુભાઈ અંબાણીનું સ્‍મરણ કરીને અંબાણી પરિવારના સૌ સભ્‍યોને યાદ કરીને આશીર્વાદ આપ્‍યા હતા. પૂજ્‍ય ભાઈશ્રીએ ભગવદીયા કોકીલાબેનનું અભિવાદન કરીને આશીર્વાદ આપ્‍યા હતા. ભગવદીયા કોકિલાબેને પણ પૂજ્‍ય ભાઈશ્રીનું ભાવપૂજન કર્યું હતું. તેઓ શ્રીરામચરિત માનસની આરતીમાં પણ જોડાયા હતા. સાંજે તેઓએ શ્રીહરિમંદિરના સર્વે વિગ્રહોના દર્શન કરીને મુંબઈ તરફ પ્રસ્‍થાન કર્યું હતું. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:14 AM IST)